Mehsana: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૉલેજ જતી સગીરાને ઈક્કોના ચાલકે પોતાની પ્રેમજાળમાં ફસાવીને અવારનવાર શારીરિક સબંધ બાંધી દેતા તેને 7 માસનો ગર્ભ રહી ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સતલાસણાના ગ્રામ્ય વિસ્તારની 16 વર્ષીય સગીરાનો કોલેજ જતી વખતે ભાલુસણા ગામમાં રહેતા ઈક્કો ચાલક વિરેન્દ્રસિંહ ચૌહાણ સાથે પરિચય થયો હતો. જે બાદ આરોપીએ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો.
પાલનપુરમાં ઈક્કો ગાડીમાં તેમજ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ સગીરાને હવસનો શિકાર બનાવી
સતલાસણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આરોપીએ પાલનપુરમાં મંદિર નજીક પોતાની ઈક્કો ગાડીમાં બળજબરીથી સગીરા સાથે સબંધ બાંધ્યા હતા. જેના એક મહિના બાદ લગ્નની લાલચ આપીને પાલનપુરના ગેસ્ટ હાઉસમાં લઈ જઈને પણ આરોપીએ પીડિત સગીરા સાથે સબંધ બાંધ્યા હતા. આમ અવારનવાર શારીરિક સબંધ બાંધવાના કારણે સગીરાને 7 માસનો ગર્ભ રહી ગયો હતો.
આ મામલે સગીરાના પરિવારે સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ ચૌહાણ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
