Mehsana News: મહેસાણા મહાનગરપાલિકાના વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારે વધુ 10 જેટલા ગામોના રેવન્યુ વિસ્તારને મનપામાં સમાવિષ્ટ કરવાની જાહેરાત કરી છે. આ નવા ઉમેરા સાથે મહેસાણા શહેરનું ભૌગોલિક કદ ખૂબ મોટું થયું છે, જે હવે લગભગ 120 ચોરસ કિલોમીટરની ત્રિજ્યા માં ફેલાયું છે.
નવા ગામોનો સમાવેશ થતાં મહેસાણા મનપાની કુલ વસ્તી પણ વધીને આશરે 4.53 લાખ જેટલી થઈ ગઈ છે. અગાઉ, 9 મહિના પહેલાં જ્યારે મહેસાણા મહાનગરપાલિકાની રચના થઈ ત્યારે 8 આખા ગામો અને 6 ગામોના આંશિક વિસ્તારો સહિત કુલ 14 ગામોને ભેળવવામાં આવ્યા હતા. સરકારે આ વિસ્તારના વિકાસ માટે રૂપિયા 900 કરોડનું બજેટ પણ ફાળવ્યું હતું, જેના થકી તે ગામોમાં શહેરી સુવિધાઓ પહોંચાડવાનું કાર્ય શરૂ થયું હતું.
નવા ભળેલા ગામોમાં તાવડીયા, ઉચરપી, દેત્રોજપુરા, કુકસ, હેબુવા, દેલા, વિરમપુરા, રામપુરા, રૂપાલ (કુ) અને શોભાસણનો સમાવેશ થાય છે.
શહેરી વિકાસના આયોજનો
મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવા ભળેલા ગામોમાં પ્રાથમિક સુવિધાઓ અને આધુનિક માળખાકીય સુવિધાઓનો યુદ્ધના ધોરણે વિકાસ કરવામાં આવશે. આયોજનમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન, સફાઈ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઈટ જેવી સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, તળાવોનું રીડેવલોપમેન્ટ, અદ્યતન ગાર્ડનનું નિર્માણ, સ્માર્ટ આંગણવાડીઓ અને આરોગ્ય-શિક્ષણની સેવાઓમાં પણ વધારો કરાશે. આ વિસ્તરણથી શહેરની કનેક્ટિવિટી સુધારવા માટે ગ્રીન રિંગ રોડ બનાવવાનો માર્ગ પણ મોકળો બનશે.
વોર્ડ રચના પર અસર
મનપાની આગામી ચૂંટણી નજીક હોવાની ચર્ચા વચ્ચે આ નવા ગામો ભળતાં વોર્ડ રચનાની કામગીરી પર થોડો સમય વિરામ મુકાયો છે. હવે વધેલી જનસંખ્યાના આધારે વોર્ડની સંખ્યામાં વધારો થશે અને તે મુજબ વોર્ડ રચનાની કામગીરીને અપડેટ કરવામાં આવશે, જેથી દરેક નાગરિકને યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે. મહેસાણા હવે ઝડપથી એક મોટા અને આધુનિક મહાનગર તરફ આગળ વધી રહ્યું છે.
