સસ્તી ફ્લાઈટ ટિકિટના બદલામાં સોનાની દાણચોરી: મહેસાણામાં આ નેટવર્ક કેવી રીતે ચાલતું હતું અને કસ્ટમ વિભાગે કેવી રીતે કર્યો પર્દાફાશ?

મહેસાણામાં કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરી કિરીટ પટેલની ધરપકડ કરી છે. 35 મુસાફરોને સસ્તી ફ્લાઈટ ટિકિટ આપી વિદેશથી સોનું મંગાવવાના રેકેટની વધુ તપાસ શરૂ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 26 Nov 2026 09:38 PM (IST)Updated: Thu, 26 Nov 2026 09:38 PM (IST)
mehsana-gold-smuggling-racket-customs-arrest-kirit-patel-cheap-flight-tickets-35-passengers

Mehsana Gold Smuggling: મહેસાણા જિલ્લામાં કસ્ટમ વિભાગ દ્વારા સોનાની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં વિદેશ પ્રવાસ કરતાં નાગરિકોને વિદેશ પ્રવાસની ટિકિટમાં મોટું ડિસ્કાઉન્ટ આપીને પરત ફરતા મુસાફરો પાસે સોનું મંગાવાતું હતું. આ નેટવર્કના એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.

દાણચોરીના રેકેટનો પર્દાફાશ

મળતી માહિતી મુજબ, દાણચોરીના નેટવર્કને ઓપરેટ કરતાં આરોપીઓ દ્વારા જે પ્રવાસીઓ વિદેશયાત્રા કરવા જતાં હોય તેઓને ફ્લાઈટની ટિકિટમાં મોટું ડિસ્કાઉન્ટ આપીને સોનાની દાણચોરી કરાવવામાં આવી હોવાનું કસ્ટમ વિભાગની તપાસમાં ખુલ્યું છે. જેમાં મહેસાણાના કિરીટ પટેલ નામના શખ્સને કસ્ટમ વિભાગે દબોચ્યો છે. આરોપીની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા સમગ્ર નેટવર્ક સામે આવ્યું હતું.

પૂછપરછમાં મોટો ખુલાસો

આરોપી દ્વારા અત્યાર સુધીમાં 35 જેટલા પ્રવાસીઓને વિદેશ જવાની ફલાઈટમાં મોટી રાહત આપી હતી. જે બાદ જ્યારે આ પ્રવાસીઓ પરત ભારત આવતા તો સાથે સોનું દાણચોરી કરીને લાવતા હતા. ત્યાર બાદ આરોપી તેમની પાસેથી સોનું લઈ લેતો હતો.જ્યારે આ કૌભાંડની હકીકત કસ્ટમ વિભાગને સામે આવી તો ત્વરિત કાર્યવાહી કરતાં આરોપીને પકડી પાડ્યો હતો.

આરોપી સામે કડક કાર્યવાહી

હાલ કસ્ટમ વિભાગે આરોપીને પકડીને આ સોનાની દાણચોરીના રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે, તેમજ કેટલું સોનું અત્યાર સુધીમાં દાણચોરી કરવામાં આવ્યું તે અંગે વિગતે માહિતી મેળવવામાં આવી રહી છે. ઉપરાંત આરોપી સામે કાયદાકીય પગલાં લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. કસ્ટમની આ કાર્યવાહીથી મોટા મોટા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતા છે.