Mehsana: મહેસાણા શહેરની મોઢેરા ચોકડી નજીક ધોળા દહાડે ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સામાન્ય ઝઘડાની અદાવતમાં ચારેક જેટલા ઈસમોએ છરીના આડેધડ ઘા ઝીંકીને રહેંસી નાંખ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે સવારે 6 વાગ્યાના અરસામાં મહેસાણા શહેરના મોઢેરા એસ.ટી. બસ સ્ટેન્ડની બહાર સાબિરહુસૈન ગુલામ રસુલ સૈયદની ઈકો કારમાં પેસેન્જર ભરવા મામલે નાગલપુરના સાકિર હુસૈન રફીક મોહમ્મદ શેખ અને હૈદરી ચોકના ઈનુસ ખાન સાથે માથાકૂટ થઈ હતી. જો કે આ સમયે આસપાસના લોકો વચ્ચે પડતા મામલો થાળે પડી ગયો હતો.
જે બાદ બપોરે સાબિર હુસૈન મોઢેરા ચોકડી નજીક ઉભા હતા, ત્યારે સવારની અદાવતનો બદલો લેવા માટે સાકિર હુસૈન રફીક મોહમ્મદ શેખ અને ઈનુસ ખાન સહિત 3 અજાણ્યા ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા. સાબિર હુસૈન કંઈ સમજે, તે પહેલા જ હુમલાખોરો છરીના આડેધડા ઘા ઝીંકી દેતા તેઓ સ્થળ પર જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા.
જ્યારે તેમની સાથે રહેલ માજિદ નામના શખ્સને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલત નાજુક જણાતા તેને અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવ્યો છે. હાલ તો આ મામલે મહેસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
