Bahucharaji Temple Rajbhog: મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષના પર્વે માઁ બાળા બહુચરને પરંપરાગત સુવર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. ગાયકવાડ શાસન કાળથી ચાલતી પરંપરા મુજબ વર્ષમાં માત્ર 2 જ વાર સોનાના વાસણમાં માતાજીને થાળ ધરાવવામાં આવે છે.
બહુચરાજી ધામ આવેલા માઈભક્તોએ આ દુર્લભ અને દિવ્ય પ્રસંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અર્પણ કરાયેલા સોનાની થાળી, વાટકા અને ચમચી સહિત કુલ 9 જેટલી સોનાની વસ્તુમાં માતાજીને રાજભોગ પીરસવામાં આવ્યો હતો.
માતાજીને દિવ્ય આભૂષણોથી સુસજ્જ કરી પુરી, પાપડ, ભજીયા, ટોપરપાક, લાડુ, વાલનું શાક, બટાકાનું શાક, મિક્સ સબ્જી, દાળ-ભાત અને ખીર જેવા પકવાનોનો દિવ્ય રાજભોગ ધરાવવામાં આવ્યો હતો.
આ સુવર્ણ થાળની પરંપરા પાછળ ઐતિહાસિક અને રોચક ઘટના જોડાયેલી છે. વર્ષો પહેલાં વડોદરા સ્ટેટના કડી પ્રાંતના ગાયકવાડ શાસક માનાજીરાવ ગાયકવાડ ગંભીર અસાધ્ય રોગથી પીડાતા હતા. માતા બહુચરની બાધા-આખડી અને અસીમ કૃપાથી તેમનો રોગ સંપૂર્ણપણે મટી ગયો.
આ ચમત્કારથી પ્રભાવિત થઈને તેમણે માતાજી પ્રત્યે કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરવા માટે સોનાના વાસણો ભેટ આપ્યા હતા. તે સમયથી જ માતાને સોનાની થાળીમાં ભોગ ધરાવવાની આ પવિત્ર પરંપરા શરૂ થઈ હતી.
