Mehsana News: મહેસાણા જિલ્લામાં શુદ્ધ અને દેશી ઘીના નામે વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. જિલ્લા ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન જાણીતી ડેરીઓ, ઓઇલ ઈન્ડસ્ટ્રીઝ, વેપારીઓ અને રેસ્ટોરન્ટમાંથી લેવાયેલા સેમ્પલ સરકારી લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ સાબિત થતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડેરીઓ અને ખાદ્યપદાર્થોના સેમ્પલ ફેલ
ફૂડ વિભાગની સરકારી લેબોરેટરીના રિપોર્ટ પ્રમાણે, સરકારી ધારાધોરણ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેલા એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. રજવાડી ડેરી, મહેસાણા ડેરી અને વિમલ ડેરી સહિતની બ્રાન્ડ્સના શુદ્ધ ઘી, પનીર, તલનું તેલ અને પામોલિન ઓઈલના નમૂના ફેઈલ ગયા હતા. જેની સામે અધિક કલેક્ટરની સુનવણીના અંતે 22 વેપારીઓને રુ.28.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફૂડ વિભાગે 1 વર્ષમાં નમૂના લીધા
મહેસાણા જિલ્લા તંત્રની ફૂડ શાખા દ્વારા છેલ્લા 1 વર્ષ દરમિયાન અલગ અલગ ડેરીઓમાંથી, ખાદ્ય વિક્રેતાઓ, ઓઈલ ઈન્ડસ્ટ્રીઝને ત્યાં સઘન તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન તેલ, ઘી, પ્રીમિયમ ફેટ સ્પ્રેડ, લૂઝ પનીર, સફેદ તલનું તેલ, કોટનસીડ ઓઈલ સહિતના ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. જે નમૂનાઓ ફેઇલ થતાં વેપારીઓ સામે અધિક કલેકટરની કોર્ટમાં કેસ ચલાવ્યા હતા.
તંત્રની કાર્યવાહીથી ફફડાટ
અધિક કલેક્ટર દ્વારા સંબંધિત ડેરીઓ અને વેપારીઓને રુ.50 હજારથી 2 લાખ સુધીનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો હતો. જ્યારે જાણીતી ડેરીઓના ઘીના નમૂનાની ગુણવત્તા અંગે સવાલો ઉભા થતાં ગ્રાહકોની સુરક્ષાને લઈને મોટી બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે વેપારીઓ ભયથી ફફડી ઉઠ્યા છે.
પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી માતાજી મંદિર સંચાલિત 'બહુચર ભોજનાલય'માં રસોઈ માટે વપરાતા કપાસિયા તેલનો સેમ્પલ પણ લેબોરેટરી તપાસમાં સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. જેમાં ભોજનાલય કોન્ટ્રાક્ટર અને સપ્લાય વેપારીને દંડ ફટકારવામાં આવ્યો છે.
