Mehsana: મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ દોડતી કારે બાઈકને ટક્કર મારતા ફંગોળાયેલા દંપતી પૈકી પતિનું મોત નીપજ્યું છે, જ્યારે પત્નીનો પગ ભાંગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગુંજાળા ગામમાં રહેતા ભાવુભા આજે સવારે 10 વાગ્યાના અરસામાં બરીયફા રોડ પર આવેલા પોતાના ખેતરમાં પશુઓ માટે ચારો લેવા ગયા હતા. ખેતર નજીક રોડની સાઈડમાં ભાવુભા અને તેમના પત્ની બાઈક પર ઘાસચારો બાંધી રહ્યા હતા.
આ દરમિયાન બરીયફા તરફથી ફોર્ડ ફીગો કાર માંતેલા સાંઢની માફક ધસી આવી હતી. બેકાબુ કારે ભાવુભાના બાઈક સાથે ધડાકાભેર ભટકાયું હતુ. કાર અને બાઈકની ટક્કરથી ભાવુભા પણ પત્ની સાથે ફંગોળાઈને નીચે પટકાયા હતા. જેમાં બન્નેને ગંભીર ઈજા પહોંચી હતી.
બીજી તરફ અકસ્માતની જાણ થતાં ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જે બાદ 108 એમ્બ્યુલન્સના મેડિકલ સ્ટાફે તપાસ બાદ ભાવુભાને મૃત જાહેર કર્યાં હતા. જ્યારે તેમના પત્નીને ગંભીર ઈજા પહોંચતા બહુચરાજીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમને ડાબા પગે ગંભીર ફ્રેક્ચર જણાતા વધુ સઘન સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જ્યારે મૃતક ભાવુભાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બહુચરાજી સિવિલ ખસેડવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે મૃતક ભાવુભાના પિતા કાનજી ઝાલાએ બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને અકસ્માત સર્જનાર કારના ચાલક રાહુલ ઠાકુરની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
