Saurashtra Unseasonal Rain: દક્ષિણ ભારતમાં ત્રાટકેલા 'અર્નબ' વાવાઝોડાની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના હવામાનમાં પણ નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે આજે સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે.
આજની વાત કરીએ તો, આજે ગીર અને તલાલા પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને આંકોલવાડી, આંબળાશ, હડમતિયા, માધુપુર, વાડલા, ગુંદરણ, બામણશા અને પીપળવા ગામમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
એક તરફ અલ નીનોની અસરના કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું રહ્યું છે. બીજી તરફ ચોમાસાની વિધિવત વિદાય બાદ દુષ્કાળની સ્થિતિ વચ્ચે છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ખુલ્લામાં પડેલા પશુચારા અને મગફળીના પાકને વ્યાપક નુકસાનથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગ દ્વારા હજુ આવતીકાલે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ સહિતના ભાગોમાં માવઠાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
જણાવી દઈએ કે, ગઈકાલે પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, અમરેલી અને રાજકોટના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે માવઠું પડ્યું હતુ. એમાં પણ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સવા બે ઈંચ જેટલો તો અમરેલી જિલ્લામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સતત પડી રહેલા માવઠાના કારણે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે.
