Surat: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ખોડિયાર નગર વિસ્તારમાં રમી રહેલા માત્ર એક વર્ષના બાળકને પીકઅપ વાહનના ચાલકે રિવર્સ લેતી વખતે અડફેટે લીધું હતું. ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો પરિવાર કામરેજના નવી પારડી ગામમાં ભાડાના મકાનમાં રહે છે. પરિવારનો એક વર્ષનો પુત્ર દિવ્યમકુમાર ખોડિયાર નગર-1ની મઝદાગલીમાં આવેલી મહાવીર પ્લાસ્ટિક કંપની નજીક રસ્તા પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન તેના સાવકા પિતા થોડે જ દૂર હાજર હતા.
આ દરમિયાન એક પીકઅપ વાહનના ચાલકે પાછળની તરફ વાહન હંકારતાં રમતા બાળકને અડફેટે લીધું હતું. વાહન નીચે આવી જતાં બાળકને માથાના પાછળના ભાગ સહિત પીઠ, હાથ, પેટ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ પીકઅપ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
બીજી તરફ પરિવારજનો તાત્કાલિક ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જો કે ટૂંકી સારવાર બાદ માસૂમનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનાને લઈને મૃતક બાળકની માતા ભવ્યાકુમારી ચૌહાણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા પીકઅપ ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
