Mehsana News: બહુચરાજીમાં બોલેરો કારે આંગણે બેસેલી બે મહિલાને અડફેટે લીધી, ગંભીર ઇજા પહોંચતા બન્નેના મોત

વૃંદાવન સોસાયટીના કોમન પ્લોટમાં બોલેરો કાર માટીમાં ફસાઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ચાલકે એક્સિલરેટર દબાવતા કાર બેકાબૂ થઇ ગઇ હતી અને સામેના ઘરના આંગણામાં ઘૂસી ગઇ હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 04 Aug 2026 01:07 PM (IST)Updated: Tue, 04 Aug 2026 01:07 PM (IST)
mehsana-news-two-women-died-after-bolero-hits-them-outside-house-in-bahucharaji

Mehsana News: મહેસાણાના બહુચરાજીમાં વૃંદાવન સોસાયટી ખાતે માટીમાં ફસાયેલી બોલેરો કાર બહાર કાઢવાના પ્રયાસમાં ચાલકે કાબૂ ગુમાવતા ઘર આંગણે બેઠેલી બે મહિલાઓના મોત નીપજ્યા છે અને એક બાળકી ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે. અકસ્માત સર્જ્યા બાદ ચાલક દક્ષ સૈની ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બેચરાજી પોલીસે આરોપી ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાથમિક તપાસ મુજબ, વૃંદાવન સોસાયટીના કોમન પ્લોટમાં બોલેરો કાર માટીમાં ફસાઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ચાલકે એક્સિલરેટર દબાવતા કાર બેકાબૂ થઇ ગઇ હતી અને સામેના ઘરના આંગણામાં ઘૂસી ગઇ હતી. કાર આંગણામાં ઘૂસી જતાં ત્યાં બેઠેલી બે મહિલાઓ કારની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યાં હતાં.

આ ઘટનામાં એક નાની બાળકીને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તબીબી અહેવાલ અનુસાર બાળકીને શરીરે ગંભીર ફ્રેક્ચર થયા છે અને તેની સારવાર ચાલી રહી છે. અકસ્માતગ્રસ્ત બોલેરો કાર ગુજરાત બહારની હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.