Jignesh Kaviraj Barot: ભારતીય સંસ્કૃતિમાં સંતો-મહંતોના મૃત્યુ બાદ તેમના અગ્નિસંસ્કાર કરવાની જગ્યાએ સમાધિ આપવામાં આવે છે. જો કે ઘણાં લોકો પોતાની પ્રિય વસ્તુ હોય, તેને પણ સમાધિ આપતા હોય છે. એવામાં ગુજરાતના જાણીતા લોકગાયક જિગ્નેશ કવિરાજના પરિવાર દ્વારા પણ તેમના જૂના સ્કૂટરને સ્ક્રેપમાં મોકલવા કે બીજાને વેચવાની જગ્યાએ તેને અનોખી રીતે વિદાય આપવામાં આવી છે. જેમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં આવેલા જિગ્નેશ કવિરાજના ઘર આગળ જ તેમના પ્રિય સ્કૂટરને સમાધિ આપવામાં આવી છે.
ખુદ જિગ્નેશ કવિરાજે પોતાના ફેસબુક પેજમાં પોસ્ટ મૂકીને આ બાબતની જાણકારી આપી છે. આ સાથે જ કેટલીક તસવીરો શેર કરી છે. પોતાની પોસ્ટમાં લોક ગાયકે લખ્યું છે કે, મારી કારકિર્દીનું પહેલું સાધાન, એવું મારા પપ્પાના સ્કૂટર. મારા પપ્પા મારી શરૂઆતના સમયમાં પ્રોગ્રામ કરવા માટે આ સ્કૂટર પર જ ગામે-ગામ ફેરવતા હતા. મારી શરૂઆતના સમયમાં સાથ આપનારા આ સ્કૂટરને અમે યાદગીરી રૂપે અમારા ખેરાલુ ગામે ઘર આગળ જ આજ રોજ સમાધિ આપી છે.
આ સાથે જ એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં જિગ્નેશ કવિરાજના પરિવારના સભ્યો દ્વારા બજાજ સ્કૂટરને કુમકુમ તિલક કરીને ફૂલહાર પહેરાવીને ઘરની આગળ જ ખોદવામાં આવેલા ખાડામાં શ્રીફળ સાથે સમાધિ આપવામાં આવી રહી છે.
સમાધિ સ્થળ પર દિવાળીએ અગરબત્તી કરજો: હસમુખ બારોટ
જિગ્નેશ કવિરાજના પિતા હસમુખ બારોટે જણાવ્યું કે, આ સ્કૂટર મારો જીવ હતો, જેને મેં સમાધિ આપી દીધી. હું મારા છોકરાઓને પણ કહેતો જઈશ કે, આ સ્કૂટરે આપણને સુખી કર્યા છે. આથી દિવાળીના સમયે આ સમાધિ સ્થળે અગરબત્તી કરજો. જેમ મા-બાપ ઘરડા થાય, તો તેમને વૃદ્ધાશ્રમમાં ના મૂકાય. તેમ આજીવન સાથ આપનાર આ સ્કૂટરને ભંગારમાં ના વેચી દેવાય.
જિગ્નશ કવિરાજની પોસ્ટ પર યુઝર્સ દ્વારા તરેહ-તરેહની કૉમેન્ટો કરવામાં આવી છે. જેમાં કેટલાક યુઝર્સ દ્વારા સ્કૂટરની સમાધિને ભૂ ગણાવવામાં આવી છે. એક યુઝર્સે લખ્યું છે કે, સમાધિ જીવની હોય. સ્કૂટર પ્રત્યેનો લગાવ જીવંત રાખી કરાય. એક યુઝર્સે કૉમેન્ટ કરી છે કે, સમાધિ આપ્યા વિના સ્કૂટરને સાચવવાની જરૂર હતી. જ્યારે એક યુઝર્સે લખ્યું છે કે, આ સ્કૂટર તમારી સફળતાની નિશાની કહેવાય. એને સાચવી રાખવું જોઈએ, જેથી આવનારી પેઢી પણ તેને જોઈ શકે.
લાઠીના પાડરશીંગા ગામમાં ખેડૂતે પોતાની લકી કારને ધામધૂમથી સમાધિ આપી
ગત વર્ષે નવેમ્બરમાં આવો જ એક કિસ્સો અમરેલીમાંથી સામે આવ્યો હતો. જેમાં જિલ્લાના લાઠી તાલુકાના પાડરશીંગા ગામના ખેડૂત સંજય પારેલાએ પણ પોતાની પ્રિય કારની યાદગીરી રૂપે સાચવી રાખવા માટે પોતાની વાડીમાં જ ધામધૂમથી સમાધિ આપી હતી. આ માટે સંજય પારેલાએ કંકોતરી લખીને મહેમાનોને તેડાવ્યા હતા અને 1500 જેટલા લોકોનો જમણવાર પણ કર્યો હતો.
