Mehsana News: કડી તાલુકાના ડાંગરવા ગામે નર નારાયણ દેવ તાંબા કાલુપુર અમદાવાદના સ્વામિનારાયણ મંદિર દ્વારા પાંચ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને નૂતન મંદિરના ઉદ્ઘાટનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 7 નવેમ્બરના રોજ આ મહોત્સવનો પ્રારંભ થયો હતો.
ધાર્મિક દ્રષ્ટિએ ડાંગરવા ગામનું મહત્વ વિશેષ છે, કારણ કે તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસાદીનું ગામ ગણાય છે. એવી માન્યતા છે કે સ્વામિનારાયણ ભગવાન અહીં 18 વખત પધાર્યા હતા. સો વર્ષ પૂર્વે અહીં હનુમાનજીની પ્રતિષ્ઠા સાથેનું મંદિર સમય જતાં જર્જરિત થતાં, ગામના ભક્તો દ્વારા નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નૂતન હનુમાનજી મંદિરની સાથે જ સિદ્ધિવિનાયક દેવનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે.
આ બંને મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને નૂતન મંદિરનું ઉદ્ઘાટન આગામી 11 નવેમ્બરના રોજ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદના વરદ હસ્તે કરવામાં આવશે. મહોત્સવના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે, જેમાં મહાયજ્ઞનો પ્રારંભ, અતિથિ વિશેષ અને મહેમાનોનો સન્માન સમારંભ તેમજ પાંચ દિવસીય શ્રી હનુમાનજી ચરિત્ર પંચાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.
રવિવારે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનોએ ડાંગરવા ગામે હાજરી આપી હતી. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, હનુમાનજીની શક્તિ વિરાટ છે અને કોઈપણ તકલીફમાં તેમને યાદ કરવાથી મદદ મળે છે, જ્યારે ગણપતિ દાદાના આશીર્વાદથી શુભ કાર્યો સફળ થાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગ્રામજનોએ મંદિર નિર્માણ માટે બે કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જે સ્વામિનારાયણ ભગવાન, હનુમાનજી અને ગણપતિ દાદાના આશીર્વાદથી શક્ય બન્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ'નો ઉલ્લેખ કરતા ભારપૂર્વક જણાવ્યું કે, "એકલદોકલ માણસની કોઈ નોંધ લેતું નથી, પરંતુ સમૂહ, શક્તિ, એકતા અને સંગઠન હોય તો જ બધા આપણને માન આપે છે." આ સાથે, તેમણે ધાર્મિક કાર્યોમાં ગ્રામજનોની એકતાના વખાણ કર્યા હતા.
