Fake Birth Certificate Case: ગુજરાતમાં વિદેશ જવાના ઘેલછામાં આચરવામાં આવતા વિઝા કૌભાંડ પર કોર્ટે લાલ આંખ કરી છે. બીજાના બાળકને પોતાનો પુત્ર દર્શાવી, બોગસ જન્મના દાખલાના આધારે અમેરિકાના વિઝા મેળવવાના ચકચારી કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને જેલની સજા અને દંડ ફટકાર્યો છે.
આરોપીને 7 વર્ષની સખત કેદ અને દંડ
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હાર્દિક કિરીટકુમાર વછરાજાનીએ આ કેસના આરોપી પિયુષકુમાર ઉર્ફે રાકેશભાઈ રમણલાલ પટેલને કસૂરવાર ઠેરવીને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અવલોકનમાં જણાવ્યું કે, આ કૃત્ય અજાણતામાં થયેલું નથી, પરંતુ પૂર્વ આયોજિત કાવતરું અને બદઈરાદા સાથે કરવામાં આવ્યું છે.
આરોપીએ કેવી રીતે આચર્યું હતું કૌભાંડ?
મહેસાણા જિલ્લાના કડીમાં રહેતા આરોપી પીયુષકુમારે 13 વર્ષના જય ઉર્ફે જયેશ નામના બાળકને પોતાનો પુત્ર ન હોવા છતાં પુત્ર તરીકે દર્શાવ્યો હતો. આ માટે તેણે કરણનગર ગ્રામ પંચાયતમાંથી બાળકનો બનાવટી જન્મનો દાખલો બનાવડાવ્યો હતો.
આ બોગસ દસ્તાવેજોના આધારે અમદાવાદની નવરંગપુરા પાસપોર્ટ કચેરીમાંથી જય પીયુષકુમાર પટેલના નામે પાસપોર્ટ મેળવ્યો. જે બાદ યુ.એસ. કોન્સ્યુલેટ, મુંબઈ ખાતેથી અમેરિકાના વિઝા મેળવ્યા હતા. ત્યારબાદ બાળકને અમેરિકા લઈ જઈ ત્યાં રહેતા તેના વાસ્તવિક માતા-પિતા પાસે મૂકી આવ્યો હતો.
US કોન્સ્યુલેટની ફરિયાદથી ભાંડો ફૂટ્યો
આ છેતરપિંડી અંગે યુ.એસ. કન્સ્યુલેટે પોલીસમાં ફરિયાદ કરતાં ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સરકારી વકીલ વાય. કે. વ્યાસે યુ.એસ. કોન્સ્યુલેટ અધિકારીઓ સહિત 9 સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાના આધારે કેસ પુરવાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે સમાજમાં કાયદાનું પાલન થાય તે માટે આવા કિસ્સાઓમાં દ્રષ્ટાંતરૂપ સજા થવી અત્યંત જરૂરી છે.
