Dussehra 2025: યાત્રાધામ બહુચરાજીમાં વિજયાદશમી (દશેરા)ના પવિત્ર દિવસે મા બહુચરને 300 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો નવલખો હાર પહેરાવવાની ગાયકવાડ શાસન વખતની 242 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ રહી છે. આ ખાસ દિવસ નિમિત્તે મા બહુચરની ભવ્ય શોભાયાત્રા બેચર ગામ તરફ નીકળી હતી, જ્યાં શમીવૃક્ષ અને શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે બપોરે 3.30 કલાકે માતાજીની શાહી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. મંદિરના ચાચરચોકમાં માતાજીની પાલખીને પોલીસ દ્વારા 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું, જેને પગલે માઈભક્તો 'બોલ મારી બહુચર જયજય બહુચર'ના જયઘોષથી ગુંજી ઊઠ્યા હતા. આ શોભાયાત્રા વર્ષમાં નીકળતી 15 શોભાયાત્રાઓમાં સૌથી વિશેષ ગણાય છે.
હારની વિશેષતા
- 6 નીલમ
- 150થી વધુ ડાયમંડ
- 242 વર્ષથી માતાજીને દશેરાના દિવસે પહેરાવાય છે.
વર્ષ 1839માં 9 લાખ રૂપિયાના ખર્ચે આ હાર તૈયાર થયો હતો, જેથી તે 'નવલખો હાર' તરીકે પ્રચલિત બન્યો. આ હારમાં 6 અતિ મૂલ્યવાન નીલમના હીરા અને 150થી વધુ ડાયમંડ જડવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન સલામતીના કારણોસર આ હાર માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે અને માત્ર દશેરાના દિવસે જ પહેરાવવામાં આવે છે.
વડોદરાના રાજવીએ કરાવ્યું હતું મંદિર નિર્માણ
આ પરંપરા વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડના શાસનથી ચાલી આવે છે. જ્યારે તેઓ કડી પ્રાંતના સુબા હતા, ત્યારે માતાજીની કૃપાથી તેમનું અસાધ્ય દર્દ મટ્યું હતું અને તેમની રાજા બનવાની મનોકામના પણ પૂર્ણ થઈ હતી. આથી, તેમણે સને 1839માં 56 ફૂટ ઊંચું શિખરબદ્ધ મંદિર બંધાવી માતાજીને આ અમૂલ્ય 'નવલખો હાર' અર્પણ કર્યો હતો. શોભાયાત્રા વિરમગામ હાઈવે પર આવેલા શમીવૃક્ષના સ્થળે પહોંચ્યા બાદ ભૂદેવોએ ગાયકવાડ શાસનથી ચાલી આવતી પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શમીવૃક્ષ અને શસ્ત્રોનું પૂજન કર્યું હતું.
