BJP suspends rebel leaders: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા અને શિસ્ત તોડનારા પોતાના જ કાર્યકરો સામે ગુજરાત પ્રદેશ ભાજપે આકરી કાર્યવાહી કરતા 19 જેટલા નેતા-કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
રાજ્યભરમાં 17 કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, ટિકિટ ન મળતા નારાજ થયેલા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 17 જેટલા કાર્યકર્તાઓને આગામી 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યકરોએ અન્ય પક્ષમાંથી ટિકિટ હાંસલ કરીને ભાજપના જ ઉમેદવારો સામે ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું હતું. આ સસ્પેન્ડ કરાયેલા 17 સભ્યોમાં મહેસાણા જિલ્લાના 6 અને વડોદરા જિલ્લાના 11 કાર્યકતાઓનો સમાવેશ થાય છે.
મહેસાણામાં 6 નેતાઓ સામે કડક કાર્યવાહી
મતદાન પહેલા જ મહેસાણા જિલ્લા ભાજપમાં શિસ્તભંગ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શિસ્ત સમિતિના અહેવાલ બાદ, પક્ષના આદેશ વિરુદ્ધ જઈને ઉમેદવારી કરનારા કે પક્ષની નીતિ-રીતિ વિરુદ્ધ વર્તન કરનારા 6 સક્રિય સભ્યોનું સભ્યપદ રદ કરીને તેમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
- જયંતિભાઈ એલ. પટેલ: વડનગર તાલુકાના સુંઢિયા ગામના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ.
- કિરણ ચેહાજી ઠાકોર: વડનગરના સુલીપુર ગામના શક્તિ કેન્દ્ર સંયોજક
- ચીંકલભાઈ જે. પટેલ: સુંઢિયા ગામના સક્રિય સભ્ય
- અવિનાશ બિપિનભાઈ ચાવડા: કડી તાલુકાના મેંડા આદરજ ગામના આગેવાન
- વિજયભાઈ ગોવિંદભાઈ પટેલ: વિજાપુરના ટીટોદણ ગામના સભ્ય
- દર્શનભાઈ ભીખુભાઈ પરમાર: વિસનગરના પૂર્વ કોર્પોરેટર
અંકલેશ્વરમાં વકીલ દંપતી પણ સસ્પેન્ડ
બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે બળવાખોરો સામે લાલ આંખ કરી છે. અંકલેશ્વરમાં પક્ષની પેનલ સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર પૂર્વ નગરસેવક નીતિન વકીલ અને તેમના પત્ની નયના વકીલ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ વકીલ દંપતીને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ભાજપના આ આકરા પગલાથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ કાર્યવાહી દ્વારા પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સંગઠનમાં શિસ્ત સર્વોપરી છે અને પક્ષ વિરુદ્ધ જનાર કોઈ પણ વ્યક્તિને સાંખી લેવામાં આવશે નહીં. જોકે, બીજી તરફ ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં બળવો કરનાર 6 આગેવાનોનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે.
