Aravalli News: બાયડના પેન્ટરપુરા ગામમાં રસ્તાના કારણે લગ્ન અટક્યા, પરિવારજનો પ્રાંત કચેરીએ ધરણાં પર બેઠા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 May 2023 06:28 PM (IST)Updated: Wed, 24 May 2023 06:28 PM (IST)
aravalli-news-marriage-stopped-due-to-road-problem-in-bayad

અરવલ્લી.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પેન્ટરપુરા ગામમાં રસ્તાની સમસ્યા લગ્નમાં વિલન બનીને સામે આવી છે. હકીકતમાં અહીં રોડની સમસ્યાના કારણે એક પરિવારના લગ્ન અટકી ગયા છે. પરિવારજનો લગ્ન પહેલા રસ્તો બનાવવાની માંગ સાથે પ્રાંત કચેરીએ ધરણાં પર બેઠા છે.

હકીકતમાં પેન્ટરપુરા ગામના એક ફળિયામાં 200 મીટરનો રસ્તો બનાવવા અંગે ગ્રામજનોએ અનેક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આગામી 29મી મેના રોજ ફળિયાના એક પરિવારમાં લગ્ન યોજાવા જઈ રહ્યાં છે. એવામાં ઘર આગળ રસ્તો ના બન્યો હોવાથી પરિવાર ભારે તકલીફમાં છે. પરિવારજનોનો પ્રશ્ન છે કે, જો રસ્તો નહીં બને, તો મહેમાનોને કેવી રીતે બોલાવવા?

બાયડ પ્રાંત કચેરી આગળ ધરણાં કરનારા પરિવારના સભ્ય રણજીતસિંહના જણાવ્યા મુજબ, અમારા ઘરમાં લગ્ન પ્રસંગને આડે હવે માત્ર બે દિવસ બચ્યા છે, ત્યારે આ અધિકારીઓ અમને છેલ્લા કેટલાક દિવસથી રસ્તાને લઈને ધક્કા ખવડાવી રહ્યાં છે. જો આજે આ રસ્તાની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે, તો અમે મહિલાઓ અને બાળકો સાથે અહીં ધરણાં પર બેઠા છીએ. જો અમને કંઈ થશે, તો તેના માટે આ અધિકારીઓ જ જવાબદાર રહેશે.