Mahisagar News:મહીસાગરમાં ચાંદીપુર પછી GBSના શંકાસ્પદ કેસ: વહીવટી તંત્ર એલર્ટ, કલેક્ટરે શાળાઓમાં કરી ઓચિંતી મુલાકાત

મહીસાગરમાં ચાંદીપુર અને GBSના શંકાસ્પદ કેસોને પગલે જિલ્લા કલેક્ટરે લુણાવાડાની શાળાઓમાં સ્વચ્છતા અને ભોજનની સઘન તપાસ કરી. આરોગ્ય વિભાગે ૧૩,૧૦૬ બાળકોની તપાસ કરી અને કલેક્ટરે નાગરિકોને શંકાસ્પદ લક્ષણોની જાણ કરવા અપીલ કરી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 15 Aug 2026 09:13 PM (IST)Updated: Sat, 15 Aug 2026 09:13 PM (IST)
suspected-gbs-cases-after-chandipur-in-mahisagar-administration-on-alert-collector-makes-surprise-visit-to-schools

Mahisagar News:મહીસાગર જિલ્લામાં ચાંદીપુર અને GBS (Guillain-Barré Syndrome) ના શંકાસ્પદ કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સફાળું જાગ્યું છે. બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડાની વિવિધ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈને સઘન તપાસ હાથ ધરી હતી.

આ વિશેષ ચેકિંગ ઝુંબેશ દરમિયાન કલેક્ટર દ્વારા લુણાવાડા સ્થિત આદર્શ વિદ્યાલય, વાઈબ્રન્ટ વેવ્સ ઇન્ટરનેશનલ એકેડમી, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ, ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ, કન્યા પ્રાથમિક શાળા, નંદ ઘર (આંગણવાડી), વેદાંત કોલેજ, ઇન્ફિનિટી સ્કૂલ અને બ્રાઇટ વિદ્યાસંકુલનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહેસૂલ, પંચાયત, ફૂડ સેફ્ટી, આરોગ્ય અને શિક્ષણ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા શાળાઓમાં બાળકોને અપાતા મધ્યાહ્ન ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને પરિસરમાં સ્વચ્છતા અંગે ઝીણવટભરી તપાસ કરાઈ હતી. ફૂડ સેફ્ટી વિભાગે શાળાઓને સ્વચ્છતા જાળવવા અને કડક નિયમોના પાલન માટે કડક સૂચનાઓ આપી છે.

જિલ્લા આરોગ્ય તંત્રની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેની કામગીરી અવિરત ચાલી રહી છે. અત્યાર સુધી નગરપાલિકા વિસ્તારની કુલ ૨૪ શાળાઓના ૧૩,૧૦૬ બાળકોના સ્વાસ્થ્યની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત, પીવાના પાણીના 7 સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોના ૪૧૫ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરાયો છે. નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે નાગરિકો અને તબીબોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, જો કોઈ બાળકમાં GBS અથવા ચાંદીપુર વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય, તો જરા પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. આ સાથે ખાનગી તબીબોને પણ અનુરોધ કરાયો છે કે તેમની પાસે શંકાસ્પદ લક્ષણો ધરાવતો કેસ આવે તો તેની જાણકારી સત્વરે હેલ્થ ટીમને આપવી જેથી સમયસર યોગ્ય સારવાર આપી શકાય.

આ ઓચિંતી મુલાકાત અને નિરીક્ષણ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, પ્રોબેશનલ આઈએએસ ત્રિલોકસિંહ, જિલ્લા શિક્ષણાધિકારી નૈલેશકુમાર મુનિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપા એન. જહાં, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન તેમજ સહાયક માહિતી નિયામક હરીશ પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કર્યું હતું. તંત્રની આ સક્રિય કામગીરીથી વાલીઓમાં સુરક્ષાની ભાવના જોવા મળી રહી છે.