મહીસાગર-લુણાવાડામાં GBSના શંકાસ્પદ કેસથી તંત્ર એલર્ટ: કલેક્ટર ગ્રાઉન્ડ ઝીરો પર, હોટેલો-છાત્રાલયોમાં દરોડા અને 21 ટીમોએ સર્વે હાથ ધર્યું

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં GBSના શંકાસ્પદ કેસ નોંધાતા કલેક્ટર અર્પિત સાગર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. 21 આરોગ્ય ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે, છાત્રાલય અને રેસ્ટોરન્ટ્સમાં તપાસ હાથ ધરાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 17 Aug 2026 10:55 AM (IST)Updated: Mon, 17 Aug 2026 10:55 AM (IST)
mahisagar-lunawada-gbs-suspected-cases-district-collector-health-department-alert-survey

Mahisagar Lunawada GBS Suspected Cases: મહીસાગર જિલ્લામાં ગુલિયન-બારે (GBS)ના શંકાસ્પદ કેસો નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે . નાગરિકો અને ખાસ કરીને બાળકોની સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કલેક્ટર અર્પિત સાગરની અધ્યક્ષતામાં ગ્રાઉન્ડ ઝીરો પર સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા મહિસાગર સહિત લુણાવાડામાં પણ જાહેર આરોગ્ય અને સ્વચ્છતાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ રોગચાળો વકરે નહીં તે હેતુથી લુણાવાડા નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ સઘન તપાસ ઝુંબેશ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરે લુણાવાડાની રુબરુ મુલાકાત લીધી

મહીસાગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા લુણાવાડા સ્થિત જયશ્રી નગર અને ગણેશ સોસાયટીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા ડોર-ટુ-ડોર સર્વેની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ લુણાવાડા જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનો કર્યા હતો. આરોગ્ય વિભાગની કામગીરી અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, લુણાવાડામાં હાલ આરોગ્ય વિભાગની 21 જેટલી ટીમો કાર્યરત છે.

કુમાર છાત્રાલયમાં 6 બાળકોને હોસ્પિટલે ખસેડ્યા

કલેક્ટરે જણાવ્યું કે, જય શ્રી નગર સોસાયટીમાં સઘન ચેકિંગ હાથ ધરી 9:00 વાગ્યાથી 59 જેટલા ઘરોનો અને ગણેશ સોસાયટીમાં 61 ઘરોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. મેડિકલ ઓફિસર (MO) અને ફીમેલ હેલ્થ વર્કર (FHW) સહિતની ટીમો ઘરે-ઘરે ફરીને બાળકો તથા નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. જો કોઈ વ્યક્તિમાં બીમારીના લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત કલેક્ટરે જણાવ્યું હતું કે, ગઈ કાલે હેલ્થ ટીમે કુમાર છાત્રાલયની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ઝાડા-ઉલટીની તકલીફ ધરાવતા 6 બાળકોને જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 4 બાળકો સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય 2 બાળકોની તબિયત સ્થિર છે અને ટૂંક સમયમાં તેમને રજા અપાશે.

ચાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી

લુણાવાડા પંથકમાં તાજેતરમાં નોંધાયેલા GBS (Guillain-Barré syndrome) ના શંકાસ્પદ કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ બન્યું છે. લુણાવાડા નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ સઘન તપાસ ઝુંબેશ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત નગરપાલિકાની ટીમ દ્વારા હાઇવે ઉપર આવેલી પાણીપુરીની લારીઓ, વિવિધ રેસ્ટોરન્ટો તથા બક્ષીપંચ છાત્રાલય ખાતે ઓચિંતી અને આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતા અને બેદરકારી દાખવતા આશરે 4 જેટલા વેપારીઓ સામે તંત્ર દ્વારા સ્થળ પર જ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી કુલ રૂ. 4,000/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

સઘન ઝુંબેશ દરમિયાન જરુરી માર્ગદર્શન પૂરુ પડાયું

મહીસાગર જિલ્લામાં તાજેતરમાં નોંધાયેલા GBS ના શંકાસ્પદ કેસોને ધ્યાને લઈ નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) ગોધરા/મહીસાગર દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 હેઠળ આજ રોજ જિલ્લામાં વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

સોનેલા સ્થિત રેસ્ટોરન્ટમાં અખાદ્ય જથ્થો નાશ કરાયો

ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત મોડાસા રોડ પર મોટા સોનેલા ખાતે આવેલ 'આવકાર રેસ્ટોરન્ટ'માં તપાસ કરી સંચાલકને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, આરોગ્ય માટે હાનિકારક એવો રૂપિયા 2000 ની કિંમતનો અખાદ્ય માલસામાન સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ જ ઝુંબેશના ભાગરૂપે જિલ્લામાં ચાલતી 14 જેટલી નાની હોટલો તથા ખાણીપીણીની લારીઓમાં પણ ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી હતી.

દર્દીઓ અને વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ગુણવત્તાની ચકાસણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. લુણાવાડાની જનરલ હોસ્પિટલની ફૂડ કેન્ટીનમાંથી 3 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે કોષીયા નાકા, લુણાવાડા સ્થિત બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં બારીકાઈથી તપાસ કરી 13 જેટલા ફૂડ સેમ્પલ લેવાયા હતા.