Mahisagar News: મહિસાગર જિલ્લાના લુણાવાડામાંથી મૃત મહિલાના નામે લાખોની લોન લઈને કેટલાક ભેજાબાજોએ ખેલ પાડ્યો હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. લુણાવાડા ટાઉન પોલીસે બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને 20 વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાના નામે કેનેરા બેન્કમાંથી 7 લાખની લોન પચાવી પાડનાર ગેંગને ઝડપી લીધી છે. આ સમગ્ર કૌભાંડમાં સામેલ સાતેય આરોપીઓને પોલીસે ઝડપી લઈને વધુની કાર્યવાહી હાથ ધરી છે.
મૃત મહિલાના નામે લાખોની લોન લીધી
મળતી માહિતી મુજબ, લુણાવાડામાં આવેલી કેનેરા બેન્કની બ્રાન્ચમાં 20 વર્ષ અગાઉ મૃત્યુ પામેલા કેશરબેન માલીવાડના નામને મળતા નામવાળી કેશરબેન પગી નામની મહિલાને રજૂ કરવામાં આવી હતી. આરોપીઓએ તલાટી કમ મંત્રીના બોગસ સહી સિક્કા, બોગસ પેઢી નામુ સહિતના પુરાવાઓ તૈયાર કરીને મહિલાના અંગૂઠાના નિશાન મેળવ્યા હતા,. ત્યારબાદ આરોપી ટોળકીએ કેનેરા બેન્કમાંથી 7 લાખનું કૃષિ ધિરાણ મેળવી લીધું હતું.
જ્યારે બેન્કના કર્મચારીઓ મહિલાના ઘરે પૈસાની ઉઘરાણી કરવા માટે પહોચ્યા હતા. ત્યારે મૃતકના પરિજનોને આ કૌભાંડની જાણ થઈ હતી. અઢી મહિના પહેલા જ પરિવારે આ અંગે લુણાવાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. લુણાવાડા ટાઉન પોલીસે બેન્કના સીસીટીવી, દસ્તાવેજી પુરાવા અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે એજન્ટોની ગતિવિધિઓ પર નજર રાખીને આ કૌભાંડ બહાર લાવ્યું હતું.
વિદ્યાર્થી પાસેથી બોગસ સિક્કા મળ્યા
લુણાવાડા ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યા મુજબ, આરોપી જયમલ કુમાર માલીવાડ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે, તેના ઘરે તપાસ કરતાં ત્યાંથી વિવિધ ગ્રામ પંચાયતો અને તલાટીઓના નકલી સ્ટેમ્પ અને સિક્કાઓ મળી આવ્યા છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડમાં બેંકના કોઈ કર્મચારી કે અન્ય સરકારી અધિકારીની સંડોવાયેલ છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ શરુ કરી છે.
ઝડપાયેલા 7 આરોપીઓ
- ખેમાભાઈ જેસીંગભાઈ પાદરીયા (રહે. શિયાલ, તા. કડાણા)
- કીરીટભાઈ કાળુભાઈ માછી (રહે. રાજગઢ, તા. લુણાવાડા)
- પર્વતભાઈ લાલાભાઈ પટેલીયા (રહે. મલેકપુર, તા. લુણાવાડા)
- નાનાભાઈ ધુળાભાઈ બારીયા (રહે. નવાગામ, તા. લુણાવાડા)
- હરીશભાઈ રૂપાભાઈ પાદરીયા (રહે. શિયાલ, તા. કડાણા)
- કાળુભાઈ નાથાભાઈ પટેલીયા (રહે. મલેકપુર, તા. લુણાવાડા)
- જયમલકુમાર ભુપતસિંહ માલીવાડ (રહે. તાતરોલી, તા. કડાણા)
