Mahisagar News: મહીસાગર જિલ્લામાં બાલાસિનોર જૈન દેરાસર પાસે રહેતા બ્રાહ્મણ પરિવારની 22 વર્ષીય દીકરી નગરમાં આયોજિત ગરબા મહોત્સવમાં મોડી રાત સુધી ગરબા રમ્યા બાદ ઘરે આવી સુઈ ગઈ હતી, પરંતુ સવારે ઉઠી જ નહી જેથી પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરતા નવરાત્રીનો પર્વ પરિવાર માટે માતમ છવાઈ ગયો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલા જૈન દેરાસર પાસે પરિવાર સાથે રહેતી ફાર્માસીસ્ટ 22 વર્ષીય યુવતી ભાર્ગવી નીતિનભાઈ ભટ્ટ હાલ નવરાત્રી પર્વ ચાલતો હોય ઘર નજીક નગરમાં આયોજિત ગરબા મહોત્સવમાં મિત્રો સાથે ગરબે ઘૂમવા ગઈ હતી. મિત્રો સાથે નગર માં રાત્રીના 2.30 વાગ્યા સુધી મન મૂકી ગરબા રમ્યા બાદ ઘરે પરત આવી સુઈ ગઈ હતી.
મોડી રાત સુધી ગરબા રમી ઘરે આવી સુઈ ગયેલી દીકરી સવારે ના ઉઠતા પરિવાર ચિંતિત થઇ ગયું હતું અને તાત્કાલિક દીકરી ભાર્ગવીને લઇ ઘરના નજીક આવેલી કે.એમ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા. જયાં તબીબોએ દીકરી ભાર્ગવીને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હોસ્પિટલમાં પરિવારના આક્રંદ થી સન્નાટો છવાઈ ગયો હતો. ફાર્માસીસ્ટ યુવતી ભાર્ગવીને રાત્રે ઉંઘમાં હૃદય રોગનો હુમલો આવતા તેનું ઊંઘમાં જ મોત નીપજ્યું હોવાનું તબીબનું પ્રાથમિક તારણ છે.
