Mahisagar: મહીસાગર જિલ્લામાં જાતિના દાખલો મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓને કારણે આજે સતત બીજા દિવસે પણ આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને શાળાએ ન મોકલી અભ્યાસનો બહિષ્કાર કરી આંદોલન યથાવત રાખ્યું છે.
મહિસાગર જિલ્લામાં બે દિવસથી વકરેલા આ વિવાદને કારણે શાળાઓ બાળકોની પાંખી હાજરી જેવા મળી રહી છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ખાનપુર તાલુકાની લવાણા પ્રાથમિક શાળામાં 179 બાળકોની સંખ્યા સામે માત્ર ત્રણ બાળકો હાજર રહ્યા હતા. જયારે નવાગામની શાળાના 200 બાળકો પૈકી માત્ર 10, ઉડાવાની 90 બાળકોની સંખ્યા છતાં એકપણ બાળક હાજર નહતો રહ્યો. ખાનપુર તાલુકાની 4 શાળામાં 0 હાજરી જયારે કુલ 128 શાળામાં કુલ સંખ્યા 12294 છે જેમાંથી 5920 બાળકો ગેરહાજર રહ્યા હતા તો 6374 હાજર રહ્યા હતા એટલે 50.5 ટકા બાળકો ગેરહાજર રહેતા અભ્યાસથી વંચિત રહ્યા હતા.
આ પણ વાંચો
ખાનપુર તાલુકામાં આદિવાસી સમાજના લોકોમાં જાતિના દાખલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જયાં સુધી બાળકોને જાતિનું પ્રમાણપત્ર ના મળે, ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલી બાળકોના અભ્યાસનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી તેનો અમલ શરુ કરતા સતત બીજા દિવસે પણ બાળકોને શાળાએ ના મોકલતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે.
ખાનપુર તાલુકાની 21 શાળાના બાળકો ગેરહાજર રહેવાના પોતાના નિર્ધાર ઉપર મક્કમ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજ જાતિના પ્રમાણપત્ર માંગણી કરતો આવે છે, પરંતુ આદિવાસી સમાજની માંગ ધ્યાને ના લેતા આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. જેના કારણે બાળકો શિક્ષણથી વંચિત છે.
