Mahisagar: મહિસાગર જિલ્લાની પાનમ નદીમાં એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. હકીકતમાં પાનમ બ્રિજ નજીકથી તણાઈ આવેલ અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેની પોલીસ તપાસમાં યુવક મામાને મળવા જતી વખતે નદીમાં તણાઈ ગયો હોવાનું ખુલ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખલાસપુર ગામનો યુવક ચનસર બેટ ખાતે રહેતા તેના મામાના ઘરે જઈ રહ્યો હતો. બેટમાં રહેતા લોકોના ઘરે જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે. આથી આ યુવક પણ મામાના ઘરે જતી વખતે પાણીમાંથી પસાર થઈ રહ્યો હશે, ત્યારે તણાઈ ગયો હોવાની આશંકા છે.
પાનમ બ્રિજ પાસે યુવકની લાશ તણાઈ આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ પોલીસ અને લુણાવાડા નગર પાલિકાના ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
