Mahisagar News: ગુજરાતના બાલાસિનોર તાલુકાના રતુસિંહના મુવાડા ગામમાં આવેલી એક જર્જરિત બાલ વાટિકા આજે ચેસની વિશ્વમાં નામ કમાવાની સપના જોતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાકેન્દ્ર બની છે. અહીં લગભગ 200 બાળકો, મોટાભાગે વંચિત પરિવારોમાંથી આવતા, ચેસના બોર્ડ પર 20 ચાલો આગળ વિચારીને ગ્રાન્ડમાસ્ટર બનવાનો સંકલ્પ લઈ રહ્યા છે. આ પરિવર્તનના શિલ્પી છે 45 વર્ષીય શિક્ષક સંદીપ ઉપાધ્યાય, જે માને છે કે પ્રતિભા કોઈ પોસ્ટલ કોડ પર આધારિત નથી હોવી જોઈએ.
પગારનો મોટાભાગનો હિસ્સો વિદ્યાર્થીઓ પાછળ ખર્ચે છે
સંદીપે પોતાના પ્રયાસોથી અત્યાર સુધી છ FIDE-રેટેડ ખેલાડીઓ અને અનેક રાજ્ય સ્તરની ટુર્નામેન્ટમાં વિજેતા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. તેઓ પોતાના પગારનો મોટાભાગનો હિસ્સો સ્પર્ધાની ફી, પરિવહન, પુસ્તકો અને ચેસ કીટ માટે ખર્ચે છે. સંદીપનું કહેવું છેકે વિદ્યાર્થીઓ મારા પૈસા પર 100 ટકા અધિકાર ધરાવે છે. અંગ્રેજી ન આવડતા વિદ્યાર્થીઓ માટે તેમણે મેગ્નસ કાર્લસન પર આધારિત ઇમેન્યુઅલ નીમેનનું પ્રખ્યાત પુસ્તક ધ મેગ્નસ મેથડ ગુજરાતીમાં અનુવાદિત કર્યું છે.

દર વર્ષે ઓછામાં ઓછા રૂ.1 લાખ ખર્ચ કરે છે
દિવ્યા ચૌહાણ, ખેડૂત પરિવારમાંથી આવેલી વિદ્યાર્થીની, છેલ્લા બે વર્ષથી તાલુકા સ્તરે અપરાજિત રહી છે અને તાજેતરમાં રાજ્ય મહિલા રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં ત્રીજા ક્રમે રહી. ગુજરાત સરકારના જિલ્લા સ્તરીય ચેસ પ્રોગ્રામ હેઠળ રતુસિંહના મુવાડાના 15 વિદ્યાર્થીઓને વડોદરા અને બોટાદની શાળાઓમાં ટ્રાન્સફર કરીને મફત શિક્ષણ, હોસ્ટેલ અને તાલીમ આપવામાં આવી રહી છે. સરકાર દરેક ખેલાડી પર દર વર્ષે ઓછામાં ઓછા રૂ.1 લાખ ખર્ચ કરે છે.
આ પ્રોજેક્ટ માટે એક ટ્રસ્ટની રચના કરી
પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવવા સંદીપે એક ટ્રસ્ટ રચ્યું છે, જે અત્યાર સુધીમાં રૂ.1 લાખ દાન એકત્ર કરી ચૂક્યું છે અને દાન માટે સતત અપીલ કરે છે. સંદીપે જણાવ્યું છેકે, અમે મળતા દરેકને માત્ર 100 રૂપિયાનું યોગદાન આપવા વિનંતી કરીએ છીએ. તેનાથી, અમે અમારા બાળકોને મોટી ટુર્નામેન્ટમાં મોકલી શકીએ છીએ. તાજેતરમાં એક સિમેન્ટ કંપનીએ શાળાને 30 ચેસ ઘડિયાળોનું દાન કર્યું છે.

બાલ વાટિકાના વિદ્યાર્થીઓ રાજ્ય સ્તરે ચમક્યા
માત્ર ચાર વર્ષમાં, બાલ વાટિકાના વિદ્યાર્થીઓએ 24 રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો અને 22માં ટોચના ત્રણમાં સ્થાન મેળવ્યું છે. શાળાને ગાંધીનગરમાં યોજાયેલા સ્ટુડન્ટ્સ ચેસ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવી છે. સંદીપ હવે ગામ પાસેની ત્રણ વીઘા જમીન પર ભારતની સૌથી મોટી સરકારી ચેસ શાળા સ્થાપવા સરકારને દરખાસ્ત કરી છે.