Mahisagar News: બાલાસિનોરની સરકારી શાળાના લંપટ મુખ્ય શિક્ષક દ્વારા શિક્ષિકાની છેડતી, બાજુમાં બેસી જઈને હાથ પકડીને શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 30 Oct 2023 10:36 AM (IST)Updated: Mon, 30 Oct 2023 10:36 AM (IST)
mahisagar-news-balasinor-headmaster-of-government-school-accused-of-molesting-physically-assaulting-teacher-by-sitting-next-to-her

Mahisagar News: મહીસાગર જિલ્લાના તાલુકા મથક બાલાસિનોરના તળાવ દરવાજા વિસ્તારની પ્રાથમિક શાળામાં લંપટ મુખ્ય શિક્ષક દ્વારા શિક્ષિકાની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે શિક્ષિકાએ લંપટ મુખ્ય શિક્ષક વિરુદ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં છેડતી અને બિભત્સ માંગણી કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

માહિતી મળી રહી છે કે, મહીસાગરના બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક મહિલા શનિવારે પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની હાજરી પુરી રહ્યા હતા. તે સમયે શાળાના લંપટ મુખ્ય શિક્ષક દ્વારા શિક્ષિકાની બાજુમાં જ ખુરશી લઈ શિક્ષિકાનો હાથ પકડી શારીરીક અડપલાં કરી છેડતી કરતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.

શિક્ષિકાએ પોતાના ઘરે આવી પરિવારજનોને આ વાતની જાણ કરી હતી અને જણાવ્યું કે, લંપટ શિક્ષક અગાઉ પણ ખરાબ નજરોથી જોયા કરતો હતો. ત્યારે શિક્ષિકાના પરીવારજનોએ બાલાસિનોર પોલીસ સ્ટેશને પહોંચી લંપટ મુખ્ય શિક્ષક અબુબક્ર સીદ્દીકી ઉસ્માનગની શેખ (રહે. બાલાસિનોર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક શાળામાં પરીક્ષા ચાલતી હોય શિક્ષિકાને રીલીવર તરીકે રાખતા સ્કુલના બ્લોક નં. 7માં વિદ્યાર્થીઓની હાજરી પુરવા ગયેલ હતા. તે વખતે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા બીજી ખુરશી લઈ શિક્ષિકાની બાજુમાં બેસી જમણો હાથ પકડી શારીરીક અડપલાં કરતા શિક્ષિકાએ હાથ છોડાવી મુખ્ય શિક્ષકને દુર બેસવા જણાવ્યું હતું.

ત્યારે મુખ્ય શિક્ષક દ્વારા જણાવેલ કે, હું સ્કૂલનો આચાર્ય છું. હું કંઈ પણ કરું તારે શું? મને તારામાં કોઈ રસ નથી. તારા જેવી તો મારી ઉપર દસ કુદે. તું તો રીટાયર્ડ થઈ ગયેલ છું. તેવા શબ્દો બોલવા લાગેલ અને અગાઉ જ્યારે શાળાના કલાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે જાય ત્યારે અવાર નવાર પાછળ પાછળ જઈ ઉભા રહી શિક્ષિકાને એકીટસે જોઈ રહી બિભત્સ માંગણીઓ કરી હેરાન કરતો હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો હતો. આ સમગ્ર મામલે બાલાસિનોર પોલીસે મુખ્ય આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.