Mahisagar GBS Case Update: મહીસાગર જિલ્લામાં સ્વાસ્થ્ય ક્ષેત્રે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં ન્યુરોલોજીકલ સમસ્યા સાથે સંકળાયેલી ગંભીર બીમારી 'ગુઈલેન-બારી સિન્ડ્રોમ' (GBS) ના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વધુ 2 નવા કેસ નોંધાતા સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ છે, જેના પગલે જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે.
કડાણા-લુણાવાડામાં નવા કેસ, કુલ 7 કેસ
આ પણ વાંચો
પ્રાપ્ત માહિતી અનુસાર, નવા GBS કેસ મહીસાગર જિલ્લાના કડાણા અને લુણાવાડા તાલુકામાંથી સામે આવ્યા છે. અગાઉ જિલ્લામાં આ બીમારીના 5 પોઝિટિવ કેસ હતા, જેમાં હવે નવા 2 કેસ ઉમેરાતા કુલ આંકડો વધીને 7 પર પહોંચ્યો છે.
દર્દીઓની સ્થિતિ વિશે વાત કરીએ તો કુલ કેસ 7 છે, જે પૈકી 3 દર્દીઓ સઘન નિરીક્ષણ સાથે સારવાર હેઠળ છે. વધુમાં, 3 દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 1 દર્દીનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે
યુદ્ધના ધોરણે સર્વેલન્સ અને તપાસ કાર્યવાહી
મહીસાગર જિલ્લામાં GBS ફેલાવાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે શાળામાં તપાસ કરવા 33 જેટલી વિશેષ મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને તપાસ કરવા માટે 21 ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સ અને હેલ્થ સ્ક્રીનિંગની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
તંત્રની અપીલ: 'ગભરાશો નહીં, ચેપી રોગ નથી'
સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, GBS કોઈ ચેપી વાયરસ કે ચેપી રોગ નથી, તેથી નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને જો કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
