પ્રશાંત ગજ્જર, Mahisagar GBS Alert: મહીસાગર જિલ્લામાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS)ના શંકાસ્પદ કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના સીધા માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લાભરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનાથી ખાણી-પીણીના વેપારીઓમાં હડકંપ મચી ગયો છે.
આ વિશેષ ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી ટીમ અને ફૂડ સેફ્ટી વાન દ્વારા લુણાવાડા સહિત વિવિધ વિસ્તારોની શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો અને ખાણી-પીણીની પેઢીઓમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. લુણાવાડા સ્થિત ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી કાચી ખાદ્ય સામગ્રીના 6 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત 'રાધે ક્રિષ્ના ઈડલી ઢોસા હાઉસ'માંથી 5 કિલો મેંદો અને 5 કિલો શેકેલા ચણાનો અખાદ્ય જથ્થો જપ્ત કરી નાશ કરાયો હતો. તેમજ 'હોટલ રાજસ્થાન'ને સ્વચ્છતા જાળવવા બાબતે કડક નોટિસ ફટકારવામાં આવી હતી અને 'અંગારા દાલ બાટી' તથા 'લિયો કેફે'ની પણ સઘન તપાસ કરાઈ હતી.
ફૂડ સેફ્ટી વાન દ્વારા લુણાવાડામાં 19 જેટલી પેઢીઓનું ચેકિંગ કરી વાસી મંચુરિયન, પ્રતિબંધિત કલર અને એક્સપાયર થયેલી ચેરીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ટીમે જિલ્લાના પાંચ જેટલા મુખ્ય છાત્રાલયોની મુલાકાત લીધી હતી.
જેમાં લુણાવાડાના મોટા સોનેલા સ્થિત સરકારી કુમાર છાત્રાલય, ખાનપુરના વાવ્યો ભગતના મુવાડા ખાતે પ્રજ્ઞા મંડળ સંચાલિત શ્રી સરસ્વતી કુમાર છાત્રાલય, મુડાવડેખ ખાતે નવજીવન કુમાર છાત્રાલય, બામરોડાના શ્રી આદર્શ બક્ષીપંચ કુમાર છાત્રાલય અને છાપરી-બેડવલ્લીના છાત્રાલયનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ સ્વચ્છતા જાળવવા કડક સૂચનાઓ અપાઈ હતી.
વધુમાં કડાણા તાલુકાની દીવડા કોલોની સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ માંથી 2 નમૂના લેવાયા હતા. ખેરવાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને સંતરામપુર મોડેલ સ્કૂલને પણ નોટિસ આપવામાં આવી હતી. દીવડા કોલોની અને બેણદાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તેમજ સળિયા મુવાડી અને લિંબોલાની કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં પણ તપાસ કરાઈ હતી. ખાનપુર તાલુકાના લીંબડીયાની કે.જી.બી.વી. અને નવોદય છાત્રાલય ખાતે પણ રસોડાની સ્વચ્છતા ચકાસવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ સતત ચાલુ રહેશે તેમ જણાયું છે.
