Bhavnagar Hooch Tragedy: SMCની ટીમે મુખ્ય આરોપી રઈશને મધ્ય પ્રદેશથી દબોચ્યો, ડુપ્લિકેટ દારૂ કાંડમાં મૃત્યુઆંક વધ્યો

ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રઈશને SMC ટીમે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે અને અન્ય પાંચની હાલત ગંભીર છે, જ્યારે એક શિક્ષકનું પણ શંકાસ્પદ મોત થયું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Aug 2026 11:40 PM (IST)Updated: Wed, 19 Aug 2026 11:40 PM (IST)
bhavnagar-hooch-tragedy-main-accused-rais-arrested-from-madhya-pradesh
HIGHLIGHTS
  • મોડી રાત સુધીમાં રઈસ સહિત અન્ય 14 શખ્સોની ધરપકડનો તખ્તો તૈયાર

Bhavnagar Hooch Tragedy: ભાવનગરમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડ મામલે પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ દ્વારા મુખ્ય આરોપી રઈસને ઝડપી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટના બાદ રઈસ મધ્ય પ્રદેશ ભાગી ગયો હતો. જ્યાંથી તેને દબોચી લેવાયો છે અને હાલ તેને ભાવનગર લાવવામાં આવી રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં મોડી રાત સુધીમાં રઇસની સાથે સંકળાયેલા અન્ય 14 લોકોની પણ સઘન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી શકે છે.

આ કમનસીબ ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે. તંત્ર માટે ચિંતાનો વિષય એ છે કે, હજુ પણ અન્ય પાંચ લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


સોનગઢના શિક્ષકનો શંકાસ્પદ મૃતદેહ અને દારૂની બોટલ મળતા ચકચાર

ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના કેસમાં વધુ એક શંકાસ્પદ મોત નોંધાયું છે. શહેરના ગિલ્બર્ટ એપાર્ટમેન્ટમાંથી મૂળ સોનગઢના એક શિક્ષકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, રહેણાંક મકાનમાંથી આ મૃતદેહની બાજુમાંથી જ દારૂની બોટલ પણ મળી આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

હાલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને શિક્ષકના મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.