પ્રશાંત ગજ્જર, Mahisagar Food Poisoning: મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલી બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં ગંભીર બેદરકારી સામે આવી છે. છાત્રાલયમાં રાત્રિ ભોજન લીધા બાદ અચાનક 6 વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેમને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવને પગલે વાલીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, લુણાવાડા નગરના ચાર કોશીયા નાકા પાસે આવેલી બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ રાત્રિનું ભોજન લીધા બાદ સૂવા ગયા હતા. આ દરમિયાન મોડી સાંજે અચાનક 6 જેટલા બાળકોને પેટમાં અસહ્ય દુખાવો, ચક્કર આવવા તેમજ ઝાડા-ઊલટીની ફરિયાદો શરૂ થઈ હતી. એકસાથે છ બાળકોની તબિયત બગડતા છાત્રાલય સંકુલમાં દોડધામ મચી ગઈ હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સંચાલકો દ્વારા સ્થાનિક આરોગ્ય વિભાગ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. 108 ની ટીમ સમયસર સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ 6 અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર અર્થે લુણાવાડાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ડૉક્ટરોની ટીમ દ્વારા બાળકોની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાએ હોબાળો મચાવ્યો છે.
આ છાત્રાલયમાં કુલ 50 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે હાલ 20 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી રહ્યા છે. આટલી ઓછી સંખ્યા હોવા છતાં વિદ્યાર્થીઓને શુદ્ધ અને ગુણવત્તાસભર ભોજન પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. એકસાથે 6 બાળકોને ફૂડ પોઇઝનિંગ થતાં છાત્રાલયમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા અને કાચી સામગ્રી સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે.
હાલ રાજ્યભરમાં ચોમાસાની ઋતુને કારણે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે, તો બીજી તરફ ચાંદીપુરા વાયરસ અને જીબીએસ જેવા ગંભીર રોગોનો પણ ભય તોળાઈ રહ્યો છે. આવા સંવેદનશીલ સમયે બાળકોને દૂષિત કે અસુરક્ષિત ભોજન આપવું એ સીધી રીતે તેમના સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેષ્ટા સમાન છે.
આ ઘટના બાદ સ્થાનિક વાલીઓ અને જાગૃત નાગરિકો દ્વારા તીવ્ર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વાલીઓની માંગ છે કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને છાત્રાલયના રસોડામાંથી અનાજ, પીવાના પાણી અને તૈયાર ભોજનના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવે.
માત્ર લુણાવાડા જ નહીં, પરંતુ સમગ્ર મહીસાગર જિલ્લામાં આવેલી તમામ સરકારી અને અર્ધસરકારી કુમાર છાત્રાલયો તેમજ આશ્રમશાળાઓમાં બાળકોને અપાતા ભોજનની ગુણવત્તાની નિયમિત અને કડક તપાસ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા જોખમી બનાવો બનતા અટકાવી શકાય.
