Junagadh Murder Case: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં પ્રેમપરાની સીમમાંથી એક યુવતીની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બાદ હવે યુવતીના કાકાએ પણ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું છે, આ બેવડી ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચારનો માહોલ ફેલાયો છે.
શું હતી સમગ્ર ઘટના
મળતી માહિતી મુજબ વિસાવદરના પ્રેમપરા ગામની સીમમાંથી થોડા સમય પહેલા એક મહિલાનો લોહીયાળ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેને પગલે વિસાવદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ સુમિતા તરીકે થઈ હતી. તેમજ તેની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગળુ કાપીને કરપીણ હત્યા કરવામાં આવી હતી.
કૌટુંબિક કાકા પર આરોપ
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યાનો આક્ષેપ તેના કૌટુબિક કાકા અરજણભાઈ ગોવિંદભાઈ ભડેલીયા પર મૂકવામાં આવ્યો. જ્યારે બંને વચ્ચે ચાલી રહેલા અનૈતિક સંબંધના લીધે હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સામાજિક અને પારીવારિક કારણોસર આ પગલું ભરવામાં આવ્યું હોઈ શકે તેવી આશંકા લોકો અને પોલીસ દ્વારા કરવામાં આવી છે.
પોલીસની વિગત પ્રમાણે, આરોપી અરજણે સુમિતા સામે મરી જવાની વાત કરી હતી જે બાદ યુવતીએ તેને મારી નાખવા દબાણ કર્યું હતું. બોલાચાલી અને દબાણ બાદ આરોપી અરજણ ભડેલીયાએ તીક્ષ્ણ હથિયાર વડે યુવતીની હત્યા કરી નાખી હતી.
આરોપીએ ગટગટાવી ઝેરી દવા
યુવતીની હત્યા કર્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લેવાનું વિચારી લેતાં ઝેરી દવા પીધી હતી. તેને ગંભીર હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન અરજણ ભડેલિયાનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ વિસાવદર પોલીસ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
