ગર્લ્સ બાદ હવે બોયઝ હોસ્ટેલ! જૂનાગઢની આંબેડકર હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં ઈયળ નીકળતા મોટો હોબાળો

જૂનાગઢની ડો. બાબાસાહેબ આંબેડકર બોય્ઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાત અને ઈયળ નીકળતા ભારે હોબાળો મચ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 24 Sep 2026 11:05 AM (IST)Updated: Thu, 24 Sep 2026 11:05 AM (IST)
junagadh-ambedkar-boys-hostel-food-quality-issue-warm-in-food-protest

Junagadh News: જૂનાગઢ શહેરમાં કેવડાવાડી રેલ્વે સ્ટેશન નજીક આવેલી ડો. બાબા સાહેબ આંબેડકર બોય્ઝ હોસ્ટેલ વિવાદમાં આવી છે, હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાં જીવાતો અને ઇયળ નીકળવી તેમજ વાસી શાકભાજીનો ઉપયોગ કર્યાના ગંભીર આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઉપરાંત બોય્ઝ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી છાત્રોને અપાતા ભોજનની ગુણવત્તા કથળી ગઈ હોય તેવી ફરિયાદો ઉઠી છે.

જમવામાં ઇયળ નીકળતા વિદ્યાર્થીઓનો હોબાળો

મળતી માહિતી મુજબ, ડો. બાબા સાહેબ આંબેડકર બોય્ઝ હોસ્ટેલમાં થોડા સમય પહેલા બપોરના સમયે વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા. તે અરસામાં જમતી સમયે દાળ અને ભાતમાંથી જીવાત અને ઇયળ નીકળી હતી. જેથી વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓએ ફ્રિજ અને રસોડામાં તપાસ કરી તો ટમેટા અને મરચા જેવી શાકભાજીમાં ઇયળ અને જીવાતો નીકળી હોવાનું સામે આવ્યું હતું. આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનની ગુણવત્તા અને ભૌતિક સુવિધાઓ અંગે ઘણી ફરિયાદો કરી હતી.

હોસ્ટેલની સુવિધા અને ભોજનની ગુણવત્તા

છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ તંત્ર સામે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમજ કોઈ પણ પ્રકારનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ હોસ્ટેલની બિલ્ડીંગને લઈને સમસ્યાઓ જણાવી હતી, વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે, બિલ્ડીગ રહેવાની સ્થિતિમાં નથી. કયારેક કયારેક છતમાં પાણી ટપકે છે તેમજ પ્લાસ્ટર પણ નીકળે છે. તેમજ બાથરુમ પણ સારા નથી.

સરકાર સમક્ષ મૂકી મોટી માગણી?

ઉલ્લેખનીય છે કે, અગાઉ ડો. બાબાસાહેબ આંબેડકર ગર્લ્સ હોસ્ટેલમાં પણ ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો. તેમજ બોય્ઝ છાત્રાલયના વિદ્યાર્થીઓએ સમસ્યાનો નિકાલ થાય અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તેવી સરકાર સમક્ષ ઉગ્ર માગણી મૂકી હતી. તેમજ વિરોધ નોંધાવ્યો.