Junagadh: મેંદરડાના ડેડકીયાળી ગામે દીપડાના હુમલામાં 6 વર્ષની બાળકીનું મોત, વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ

જૂનાગઢના મેંદરડા તાલુકાના ડેડકીયાળી ગામે દીપડાના હુમલામાં 6 વર્ષની બાળકીનું કરુણ મોત નિપજ્યું છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં વન વિભાગ સામે ભારે રોષ વ્યાપી ગયો છે અને દીપડાને પાંજરે પૂરવા માંગ કરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 24 Sep 2026 08:36 AM (IST)Updated: Thu, 24 Sep 2026 08:36 AM (IST)
junagadh-mendarda-dedkiyali-leopard-attack-6-year-old-girl-dies-forest-department

Junagadh Leopard Attack: જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલા ડેડકીયાળી ગામે એક દીપડાના આતંકથી સમગ્ર પંથકમાં ભારે તણાવ અને ડરનો માહોલ વ્યાપી ગયો છે. ડેડકીયાળી ગામે એક રહેણાંક વિસ્તારમાં અચાનક ત્રાટકેલા દીપડાએ 6 વર્ષની માસૂમ બાળકી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા ગામમાં અરેરાટી સાથે ભારે રોષ જોવા મળ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, બાળકી પોતાના ઘર પાસે હતી. ત્યારે દીપડાએ અચાનક બાળકી પર હુમલો કરી દીધો હતો. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ઘયા હતા. ગંભીર ઈજાઓને લીધે બાળકીનું મોત નિપજ્યું હતું.

દીપડાને પાંજરે પૂરવા માંગ

આ દુ:ખદ ઘટનાને પગલે બાળકીના પરિવારજનો અને ગામના લોકોમાં વન વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે, વિરોધ દર્શાવતા પરિવારે સ્પષ્ટ માંગણી કરી છે કે, જ્યાં સુધી બાળકી પર હુમલો કરનાર દીપડાને પાંજરે પૂરવામાં નહીં આવે અને વિસ્તારને સુરક્ષિત નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ બાળકીનો મૃતદેહ નહીં સ્વીકારે.

વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ અને વન વિભાગની ટીમો તાત્કાલિક ડેડકીયાળી ગામે પહોંચી ગઈ છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તેમજ વન વિભાગ દ્વારા દીપડાને ટ્રેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે અને સંભવિત વિસ્તારોમાં પાંજરા મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ગામ અને પરિવારમાં શોકની લાગણી

દીપડાના હુમલાથી બાળકીનું મોત થતાં હાલ ડેડકીયાળી ગામે શોક અને ડરનો માહોલ સર્જાયો છે. તેમજ તાત્કાલિક દીપડાને પાંજરે પૂરવામાં આવે તે અંગે ગામના લોકોએ ઉગ્ર માંગણી કરી છે.