TDO કચેરીની અરજી પાછી ખેંચવાના બદલામાં જૂનાગઢના યુવકે રૂપિયા માગ્યા, રૂ. 3.50 લાખની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યો

જાગૃત નાગરિક (ફરીયાદી) દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવતા, અધિકારીઓ દ્વારા તા. 22/09/2026ના રોજ લાંચના છટકા (ટ્રેપ)નું આયોજન કરવામાં આવ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 23 Sep 2026 05:18 PM (IST)Updated: Wed, 23 Sep 2026 05:18 PM (IST)
junagadh-acb-trap-youth-caught-redhanded-taking-rs-350-lakh-bribe

Junagadh News: જૂનાગઢ શહેરમાં એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા લાંચ લેનારાઓ સામે સકંજા વધુ કડક કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ જૂનાગઢના લીમડા ચોક પાસેથી TDO કચેરીમાં થયેલી અરજી મામલે ફરિયાદી પાસેથી રૂ. 3,50,000ની લાંચ સ્વીકારતા એક આરોપીને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો હોવાની વિગતો સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી કરશનભાઇ સોલંકીએ ફરિયાદીના ભત્રીજા વિરુદ્ધ ગૌચરમાં દબાણ કર્યા અંગેની TDO કચેરીમાં અરજી કરી હતી. આ અરજી પાછી ખેંચી લેવા તેમજ તલાટી કે TDO કચેરી તરફથી ભવિષ્યમાં કોઈ કાર્યવાહી ન થાય તે માટેની બાંહેધરી આપવાના બદલામાં કુલ રૂ. 5,25,000/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે પૈકી અગાઉ આરોપી દ્વારા રૂ. 25,000 અને રૂ. 1,50,000 લઈ લેવામાં આવ્યા હતા, અને બાકીના રૂ. 3,50,000 આજરોજ આપવાનો વાયદો નક્કી કરવામાં આવ્યો હતો.

આ બાબતે જાગૃત નાગરિક (ફરીયાદી) દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવતા, અધિકારીઓ દ્વારા તા. 22/09/2026ના રોજ લાંચના છટકા (ટ્રેપ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જૂનાગઢના લીમડા ચોક ખાતે જાહેર રોડ પર આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 3,50,000/- ની લાંચની રકમ રૂબરૂ સ્વીકારતા જ એસીબીની ટીમ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને સમગ્ર રકમ સ્થળ પરથી રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.