Visavadar By Election 2025: ચૂંટણી પંચ દ્વારા કડી અને વિસાવદરની ખાલી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા બંને બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. જેમાં વિસાવદર બેઠક માટે 7 આગેવાનોએ દાવેદારી કરી છે. હવે આ દાવેદારોમાંથી ભાજપ વિસાવદરની બેઠક પરથી કોને ટિકિટ આપે છે તેના પર બધાની નજર છે.
મહત્ત્વનું છે કે, વિસાવદર બેઠક પર ચૂંટણી લડવા ભાજપના સાત આગેવાને ઉમેદવારી જાહેર કરી છે. જેમાં ભાજપ પ્રમુખ અને જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ, કોંગ્રેસમાંથી જજીતી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને આપમાંથી જીત્યા બાદ રાજીનામું આપી ભાજપમાં પરત ફરેલા ભૂપત ભાષાણીનો સમાવેશ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રમુખ અને જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ સંગઠનમાં મજબૂત છે પણ, તેઓ અગાઉ વિસાવદરની બેઠક પરથી ચૂંટણી હાર્યા છે. તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હર્ષદ રીબડિયા વિસાવદરમાં કોંગ્રેસમાંથી લડી કિરીટ પટેલ સામે જીત્યા હતા. તો ભૂપત ભાષાણી ટિકીટ ના મળતા તેઓ આપમાંથી વિસાવદરમા જીત્યા હતા અને ફરી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
19 જૂને મતદાન અને 23મીએ મત ગણતરી
વિસાવદર વિધાનસભા બેઠક પર ગત 26 મે 2025થી ઉમેદવારીફોર્મ ભરાવાની શરૂઆત થઇ છે. ઉમેદવારો 2 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. 3 જૂનના રોજ ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જૂન 2025 છે. 19 જૂનના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. જ્યારે 23 જૂન 2025ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા એકાદ મહિનાથી પ્રચાર શરુ કરી દીધો છે. ત્યારે આવતીકાલથી વિસાવદર બેઠકમાં રાજકીય ગરમાવો જોવા મળી શકે છે. 87- વિસાવદર મતદાર વિભાગમાં પુરુષ મતદારની સંખ્યા 135597 અને સ્ત્રી મતદારની સંખ્યા 125451 અને અન્ય મતદારની સંખ્યા 4 મળી કુલમતદાર 261052 નોંધાયા છે.
