Visavadar Assembly By Election Result 2025 | વિસાવદર પેટાચૂંટણી પરિણામ: વિસાવદર પેટા ચૂંટણીમાં મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. બે રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં ગોપાલ ઇટાલિયા 391 મતથી આગળ ચાલી રહ્યાં છે. ગોપાલ ઇટાલિયાને બે રાઉન્ડના અંતે 7179 મત મળ્યા છે.
બીજા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ
વિસાવદર પેટા ચૂંટણીમાં બે રાઉન્ડ પૂર્ણ થઇ ચૂક્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા 391 મતથી આગળ છે. બીજા રાઉન્ડના અંતે ઇટાલિયાને કુલ 7179 મત મળ્યા છે. જ્યારે કિરીટ પટેલને કુલ 6788 મત મળ્યા છે. કોંગ્રેસના નીતિન રાણપરિયાને 529 મત મળ્યા છે.
આ બેઠક પર સૌ કોઇની નજર
આ બેઠક પર ભાજપે કિરિટ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર સૌ કોઇની નજર છે.
વિસાવદર બેઠક 56.89 % મતદાન થયું હતું
87- વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે 19 જૂન 2025ના રોજ મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું અને સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. 87- વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું હતું. બંને વિધાનસભા બેઠકોના મતવિસ્તારમાં કુલ 588 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા હતા.મતદાન મથકમાં મતદારોની સંખ્યા ઘટાડીને 1200 કરવાના ચૂંટણી પંચના તાજેતરના નિર્ણયને કારણે નવા 3 સહિત કુલ 588 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા હતા. દરેક મતદાન મથક પર ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.
બંને મતદાન મથકોનું સરેરાશ કુલ મતદાન 81.11ટકા થયું
વિધાનસભા પેટાચૂંટણી, 2025 માટે તા.19.06.2025 ને ગુરૂવારના રોજ યોજાયેલ બે મતદાન મથકનું મતદાન ભારતના ચૂંટણી પંચે સને 1951નાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-58(2) અન્વયે રદ કરેલ હતું. 86 માલિડા અને 111 નવા વઘાણીયા મતદાન મથક પર પુનઃ મતદાન આજે 21 જૂન, 2025ના રોજ સંપન્ન થયું છે. જેમાં 86 માલિડા મતદાન મથક પર 80.41ટકા અને 111 નવા વઘાણીયા મતદાન મથક પર 82.59ટકા મતદાન નોંધાયું છે. આમ, બંને મતદાન મથકોનું સરેરાશ કુલ મતદાન 81.11ટકા થયું હતું.
ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી
2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના હર્ષદ રિબડીયા ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યાં હતા. જ્યારે તેમની સામે આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીને ટિકિટ આપવામાં આવી હતી. ભૂપત ભાયાણીનો આ બેઠક પરથી વિજય થયો હતો અને તેઓ ધારાસભ્ય બન્યા હતા. જોકે બે વર્ષ પહેલા એટલે કે 2023માં તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાયા હતા. જોકે આ બેઠક પર ભૂપત ભાયાણીના વિજય સામે હર્ષદ રિબડીયા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હોવાથી આ બેઠક ખાલી પડી હોવા છતાં પણ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી ન હતી. જોકે થોડા દિવસો પહેલા હર્ષદ રિબડીયા દ્વારા પોતાની અરજી પરત ખેંચી લેવામાં આવ્યા બાદ હવે આ બેઠક પર પેટાચૂંટણી હાથ ધરવામાં આવી હતી.
