VIDEO: જૂનાગઢનો 2300 વર્ષ જૂનો ઉપરકોટ કિલ્લો નવા કલેવર સાથે સજ્જ, ભવ્ય ઇતિહાસ અને કુદરતી સૌદર્યનો સંગમ માણવા સહેલાણીઓ ઉમટ્યા

મૌર્યકાળની આ વિરાસતને તેનું અસલી રૂપ મળતા, મુલાકાતીઓ હવે અહીં ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો અદભુત સંગમ માણી રહ્યા છે. નવાબી તળાવ અને રાણકદેવીનો મહેલ આકર્ષણનું કેન્દ્ર બન્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Feb 2026 05:10 PM (IST)Updated: Fri, 20 Feb 2026 05:10 PM (IST)
uparkot-fort-reopens-after-3-year-restoration-junagadhs-2300-year-legacy-revived
HIGHLIGHTS
  • જર્જરિત ઉપરકોટ કિલ્લાને સરકારે કરોડોના ખર્ચે તેનું મૂળ ગૌરવ અપાવ્યું
  • સહેલાણીઓને આકર્ષવા લેસર એન્ડ સાઉન્ડ શૉ શરૂ કરાશે

Junagadh: 2300 વર્ષના ઇતિહાસને હૈયામાં સાચવીને ઉભેલો જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો હવે નવા કલેવર સાથે સજ્જ થયો છે. સદીઓ જૂની આ ધરોહર જ્યારે જર્જરિત હાલતમાં હતી, ત્યારે ગુજરાત સરકારે કરોડોના ખર્ચે તેને મૂળ ગૌરવ પુનઃ અપાવ્યું છે.

સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની આ વિરાસત આજે આધુનિક પ્રવાસનનું કેન્દ્ર બની છે. અહીં માત્ર પથ્થરોનું સમારકામ જ નથી થયું, પરંતુ આપણી ભવ્ય સંસ્કૃતિને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ થયો છે. તો ચાલો, જાણીએ આ ઐતિહાસિક પરિવર્તન વિશે…

આ અંગે ઉપરકોટની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ જણાવ્યું કે, હું બહુ વર્ષો પહેલા અહી આવ્યો, ત્યારે કંઈ જ સુવિધા નહતી. અત્યારે ઉપરકોટનો વિકાસ પહેલા કરતા ખૂબ જ સારો થયો છે. અત્યારે ઉપરકોટમાં ખૂબ જ સારી સુવિધા મળી રહી છે.

જ્યારે SDM જૂનાગઢ ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, ઉપરકોટમાં નવાબી તળાવ, તોપ, કિલ્લાની રાંગ અને રાણક દેવીનો મહેલ ખૂબ જ આકર્ષણના કેન્દ્ર બન્યા છે. ઉપરકોટમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. હાલ લેસર અને સાઉન્ડ શૉનું આયોજન કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

ઉપરકોટ કિલ્લો જૂનાગઢને વૈશ્વિક પ્રવાસનના નક્શા પર મજબૂત સ્થાન અપાવશે

3 વર્ષના સઘન રિસ્ટોરેશન બાદ ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મૌર્યકાળની આ વિરાસતને તેનું અસલી રૂપ મળતા, મુલાકાતીઓ હવે અહીં ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો અદભુત સંગમ માણી રહ્યા છે.

કિલ્લામાં આવેલી જગપ્રસિદ્ધ અડી-કડી વાવ, નવઘણ કૂવો અને રાણકદેવી મહેલનો પણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓના મનોરંજન અને જ્ઞાન માટે અહીં ટૂંક સમયમાં જ ભવ્ય ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’ શરૂ થશે, જે ઇતિહાસને જીવંત કરશે.

ગિરનાર રોપ-વે અને મહાબત મકબરાની સાથે હવે ઉપરકોટનો આ નવો અવતાર જૂનાગઢને વૈશ્વિક પ્રવાસન નકશા પર મજબૂત સ્થાન અપાવશે. સરકારના આ દૂરંદેશી નિર્ણયથી જૂનાગઢના આર્થિક અને સામાજિક વિકાસને નવી પાંખો મળી છે.