Girnar Parikrama 2025: કારતક મહિનાની દેવઉઠી એકાદશીના પાવન અવસરે પરંપરાગત રીતે શરૂ થતી લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદના અતિભારે મારને કારણે જાહેર જનતા માટે રદ કરવામાં આવી છે. જોકે, ધાર્મિક પરંપરા તૂટે નહીં તે માટે ધર્મ અને વહીવટી તંત્રએ સંયુક્ત નિર્ણય લીધો છે.
પરંપરા જાળવવા મધ્યરાત્રિએ વિધિ
જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે, પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ અને મુહૂર્ત જળવાઈ રહે તે માટે દેવદિવાળીની મધ્યરાત્રિએ 12 વાગ્યે વિધિવત પૂજન-અર્ચન સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભવનાથ તળેટી સ્થિત રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશદ્વાર પર ભગવાન ગુરુ દત્તાત્રેયનું પૂજન કરી, દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધેરીને શુભ મુહૂર્ત કરાયું હતું. આ સમયે 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
મર્યાદિત સાધુ-સંતોની પ્રતિકાત્મક યાત્રા
આજે સવારે મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને ઉતારા મંડળના પ્રતિનિધિઓએ પરંપરા જાળવવા માટે પ્રતિકાત્મક યાત્રા શરૂ કરી છે, જે સાંજ સુધીમાં પૂર્ણ થશે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે, લાખો શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે આ કઠિન નિર્ણય લેવો પડ્યો છે.
પરિક્રમા રદ થવાના મુખ્ય કારણો
અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનને લીધે પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય કારણો આ મુજબ છે. રસ્તાઓનું ધોવાણ: ભારે વરસાદને કારણે 36 કિલોમીટરના આખા રૂટના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે. કાદવ-કીચડ: આખો રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડથી ભરાઈ ગયો છે, જેના કારણે લપસી પડવાના અને ગંભીર અકસ્માત થવાના પૂરેપૂરા સંભાવના હતી. સલામતીનું જોખમ: બાળકો અને વૃદ્ધો સહિત લાખો ભાવિકોની સલામતી જોખમમાં ન મૂકાય તે માટે વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો. લોજિસ્ટિકલ મુશ્કેલી: ભીના જંગલમાં રાત્રિ રોકાણ કરવું મુશ્કેલ હતું, ઉપરાંત અન્નક્ષેત્રોને ભોજન બનાવવા માટે સૂકા લાકડા મેળવવામાં પણ ભારે મુશ્કેલી થવાની હતી.
