જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાંથી મળ્યો મૃતદેહ, સુખપુરની 42 વર્ષીય મહિલા હોવાની ઓળખ; મોતનું કારણ અકબંધ

ડેમના પાણીમાં મગરની હાજરી હોવા છતાં ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Nov 2026 05:02 PM (IST)Updated: Sun, 15 Nov 2026 05:02 PM (IST)
sukhpur-woman-chandrikaben-parmar-dead-body-found-in-junagadh-willingdon-dam

Junagadh News: જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યો અને ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહ સુખપર ગામની 42 વર્ષીય મહિલાનો હોવાનું સામે આવ્યું છે.

પ્રવાસીઓની નજર ચડ્યો પાણીમાં તરતો મૃતદેહ

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, જૂનાગઢ નજીક આવેલા સુખપુર ગામના રહેવાસી 42 વર્ષીય ચંદ્રિકાબેન હરેશભાઈ પરમારનો મૃતદેહ વિલિંગ્ડન ડેમનાપાણીમાં જોવા મળ્યો હતો. ડેમ વિસ્તારમાં ફરવા આવેલા કેટલાક પ્રવાસીઓએ પાણીમાં મૃતદેહ તરતો જોયો હતો. આથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ડેમમાં મૃતદેહ તરતો દેખાયો હોવાની માહિતી મળતા જ પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ, મહિલાએ ડેમમાં કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડેમમાં મગરની હાજરી વચ્ચે ફાયર વિભાગનું રેસ્ક્યૂ

વિલિંગ્ડન ડેમના પાણીમાં મગરની હાજરી હોવાને કારણે મૃતદેહને બહાર કાઢવાની કામગીરી પડકારજનક બની હતી. જોકે, ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત અને સમયસૂચકતા દાખવી મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

મૃતદેહ બહાર કાઢ્યા બાદ જરૂરી પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

મહિલાના મોતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ

ચંદ્રિકાબેન પરમારના અચાનક મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. જોકે, મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ માટે પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મહિલાના મોત અંગેની વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે.