Junagadh Accident News: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામ પાસે એક કાર અને ટુ-વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બંને યુવકો માસી-માસેરા ભાઈ હોવાનું સામે આવ્યું છે. એક જ અકસ્માતમાં બે યુવકોના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કુબા રાવણી પાસે કાર સાથે અકસ્માત
મળતી માહિતી મુજબ, કુબા ગામથી મેંદરડા તરફ ટુ-વ્હીલર પર સવાર થઈને જઈ રહેલા 2 યુવકો કુબા રાવણી ગામ પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા. કુબા રાવણી ગામ પાસે એક ફોરવ્હીલ કાર અને યુવકોના બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટુ-વ્હીલર પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા. તેમને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાસ્થળે જ બંને યુવકોએ દમ તોડ્યો
ફોરવ્હીલ કાર અને ટુ-વ્હીલર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેમના મોત નીપજ્યાં હતાં. મૃતક યુવકોની ઓળખ વિરાજગીરી અતુલગીરી અને જેનીલગીરી બ્રિજેશગીરી તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, બંને યુવકો માસી-માસેરા ભાઈ હતા. એક જ અકસ્માતમાં બંનેના મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
યુવાન ભાઈઓના મોતથી પરિવારમાં શોક
અકસ્મિક ઘટનામાં બે યુવકોના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં ભારે શોક અને કલ્પાંત છવાઈ ગયો હતો. કુબા રાવણી સહિત આસપાસના વિસ્તારોમાં પણ આ ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને કારચાલક અંગેની વધુ વિગતો ઉપલબ્ધ થાય તેમ ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે.
