Junagadh Voter List 2026: જૂનાગઢ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદીમાં 11.49 લાખથી વધુ મતદારોનો સમાવેશ, 1.50 લાખના નામ કપાયા

ગેરહાજર, સ્થળાંતરિક અને મૃત્યુ પામેલા મતદારોની અલગથી યાદી તૈયાર કરવામાં આવી, જે ડ્રાફ્ટ રોલ સાથે તમામ મતદાન મથકો, પ્રાંત કચેરી, મનપા, ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતમાં જોઈ શકાશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 21 Dec 2025 11:24 PM (IST)Updated: Sun 21 Dec 2025 11:24 PM (IST)
sir-campaign-more-than-11-49-lakh-in-junagadh-voter-list-2026-draft-electoral-roll-published-659667
HIGHLIGHTS
  • SIR અંતે ફાઈનલ ડ્રાફ્ટ રોલ Junagadh.nic.in વેબસાઈટ પર ઉપલબ્ધ
  • જૂનાગઢ જિલ્લામાં 6,01,396-પુરૂષો અને 5,47,986-મહિલા મતદારો

Junagadh Voter List 2026: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ 27 ઑક્ટોબર, 2025થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે, ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લાની ડ્રાફટ મતદારયાદી તા.19.12.2025 ના રોજ તમામ મતદાન મથકે પ્રસિધ્ધ કરવામાં આવી છે.

ભારતીય ચૂંટણી પંચ દ્રારા તા.27/10/2025 ના જાહેરનામાથી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે તા.22/10/2025 ની સ્થિતીએ જૂનાગઢ જિલ્લામાં નોંધયેલા કુલ 13,00,344 મતદારોને ગણતરી ફોર્મ વિતરણ કરવામાં આવેલ હતા.

જેમાંથી 11,49,395 મતદારોના ગણતરી ફોર્મ મેળવી ડિજિટાઇઝ કરવામાં આવેલ છે. જે મતદારોનો તા19/12/2025 ના રોજ પ્રસિધ્ધ થયેલ ડ્રાફટ મતદારયાદીમાં સમાવેશ થયેલ છે. જે જૂનાગઢ જિલ્લાના તમામ મતદાન મથકો, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, મહાનગરપાલિકા, જૂનાગઢ તેમજ કલેકટર કચેરી, જૂનાગઢ ખાતે જોઇ શકાશે.

આ કાર્યક્રમમાં 1,50,949 મતદારોના ફોર્મ (મૃત્યુ, ગેરહાજર, કાયમી સ્થળાંતર, ડુપ્લિકેટ કે અન્ય કારણોસર) મળી શકેલ નથી તેવા મતદારોના નામ આ ડ્રાફટ મતદારયાદીમાં સમાવેશ થયેલ નથી, પરંતુ આવા મતદારોનો અલગથી તૈયાર કરેલ A/S/D યાદી એટલે કે ગેરહાજર, સ્થળાંતર અને મૃત્યુની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

આ યાદી ડ્રાફટ મતદારયાદી સાથે જૂનાગઢ જિલ્લાના તમામ મતદાન મથકો, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, મહાનગરપાલિકા, જૂનાગઢ તેમજ કલેકટર કચેરી, જૂનાગઢ તથા તમામ સંલગ્ન સ્થાનીક સ્વરાજયની સંસ્થા (ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા) ખાતે પણ જોઇ શકાશે.

આ સિવાય ઉપરોકત યાદી મુખ્ય નિવાર્ચન અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in પર તથા જૂનાગઢ જિલ્લાની વેબસાઈટ Junagadh.nic.in પર પણ ઉપ્લબ્ધ કરવામાં આવેલ છે. તા.19/12/2025 ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, જૂનાગઢ દ્રારા માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક કરી હતી. જેમાં તેઓને જૂનાગઢ જિલ્લાની ડ્રાફટ મતદારયાદી તથા A/S/D યાદી સુપ્રત કરવામાં આવી હતી. તેમજ તા.19/12/2025 થી તા.18/01/2026 સુધી ચાલનાર હકક-દાવા અને વાંધા સુચનના સમયગાળા અંગેની જાણકારી પણ આપવામાં આવી હતી.

સમગ્ર પ્રક્રિયામાં 1338-BLO, 27-મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ, 05-મતદાર નોંધણી અધિકારીઓ તથા વિવિધ કચેરીનો સ્ટાફ સહાયક તરીકે જોડાયો હતો. ડ્રાફટ મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા જૂનાગઢ જિલ્લામાં 1338- મતદાન મથકો પર 6,67,900-પુરૂષો, 6,32,424-મહિલાઓ, 20-અન્ય જાતિ સાથે કુલ-13,00,344 મતદારો હતા. આ પ્રક્રિયાના અંતે ડ્રાફટ મતદારયાદીમાં 6,01,396-પુરૂષો, 5,47,986-મહિલાઓ, 13-અન્ય જાતિ સાથે કુલ- 11,49,395 મતદારોનો સમાવેશ થયેલ છે.

આ કાર્યક્રમ દરમિયાન ચૂંટણી પંચની સુચના મુજબ મતદાન મથક દીઠ 1200 મતદારોની મર્યાદા ને ધ્યાનમાં રાખીને મતદાન મથકોના પુન:ગઠનની પ્રક્રિયાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેથી આ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ જિલ્લાના કુલ 1338 મતદાન મથકોમાં 101 મતદાન મથકોનો વધારો થતા જિલ્લામાં હવે નવા મતદાન મથકોની સંખ્યા 1439
થયેલ છે. જેમાં 85- માણાવદરમાં 13, 86 જૂનાગઢમાં 15, 87- વિસાવદરમાં 18, 88- કેશોદમાં 18, 89- માંગરોળમાં 37 મળીને કુલ 101 નવા મતદાન મથકોની રચના થઈ છે.

જે લોકોના નામ ડ્રાફટ મતદારયાદીમાં સમાવેશ થયેલ નથી એ કિસ્સામાં વ્યકિતએ જે સ્થળે મતદાન કરવા ઇચ્છતાં હોય તે મતદાન મથકના BLO પાસેથી ફોર્મ નં.6 અને ઘોષણાપત્ર મેળવી જરૂરી પુરાવા સાથે તા.19.12.2025 થી તા.18.01.2026 સુધીમાં BLOને ફોર્મ જમા કરાવવાનું રહેશે.