Paresh Goswami Agahi | Gujarat Weather Update: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ થયો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, આગામી 4થી 8 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં એટલે કે 4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હાલ ચોમાસાની વિદાયની કોઈ શક્યતા નથી, ત્યારે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે બની છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં રૂપાંતરિત થશે. આ વેલમાર્ક લો પ્રેશર આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના ભાગો ઉપરથી પસાર થઈ મધ્યપ્રદેશ પહોંચશે. લગભગ 3 સપ્ટેમ્બરની રાત અથવા 4 સપ્ટેમ્બરની વહેલી સવારે આ સિસ્ટમ ગુજરાતની મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો સુધી પહોંચી જશે, જેના પરિણામે ગુજરાતમાં 3 અથવા 4 સપ્ટેમ્બરથી વરસાદની શરૂઆત થશે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ વેલમાર્ક લો પ્રેશર ગુજરાત ઉપર આવીને વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થશે, જે 2025ના ચોમાસાનું ગુજરાત ઉપરથી પસાર થનારું પ્રથમ ડિપ્રેશન હશે. ડિપ્રેશન ખૂબ જ મજબૂત સિસ્ટમ ગણાય છે અને તેના કારણે 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન અમુક વિસ્તારોમાં 10-12 ઇંચ, કેટલાકમાં 12-15 ઇંચ અને અમુક વિસ્તારોમાં તો 15 ઇંચથી પણ વધુ વરસાદ પડવાની સંભાવના છે. આ પરિસ્થિતિ ગંભીર હોવા છતાં ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવું અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ વરસાદનો લાભ લગભગ ગુજરાતના 70 થી 80 ટકા વિસ્તારોને મળશે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો, મધ્ય ગુજરાતના ભાલ વિસ્તારના અમુક સેન્ટરો અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળશે. કચ્છ જિલ્લામાં પણ સારો વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતના વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં પણ 10 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે. આ વર્ષે ઉત્તર ગુજરાતના વઢિયાર વિસ્તાર જેવા કે હારીજ, સમી, શંખેશ્વર, તેમજ રાધનપુર અને કચ્છના રાપર તથા તેની આસપાસના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ 4 થી 8 સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં જામનગર, પડધરી, ધ્રોલ, રાજકોટ શહેર, આટકોટ, જસદણ, વિછિયા, પાળી, ચોટીલા, લીમડી અને સુરેન્દ્રનગરના અમુક મૂળી જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. મોરબી અને સુરેન્દ્રનગરના કચ્છ તરફના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી શકે છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, જ્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના મહુવા-તળાજા જેવા વિસ્તારોમાં અત્યાર સુધી વધુ વરસાદ વરસ્યો છે અને ત્યાંના લોકો વરાપની રાહ જોઈ રહ્યા છે, ત્યારે તેમને હમણાં વરાપની આશા ન રાખવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે વરસાદ હજુ લાંબો સમય ચાલશે. આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેમ કે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના તમામ વિસ્તારોમાં પણ વરસાદ થશે. આમ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ સમગ્ર ગુજરાતમાં 70 થી 80 ટકા વિસ્તારમાં વરસાદ થશે.