Keshod Airport: MP પરિમલ નથવાણીની રજૂઆત બાદ મળ્યો જવાબ;કેશોદ એરપોર્ટ પર 2500 મીટર રનવેનું વિસ્તરણ બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાગશે

આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરપુ દ્વારા રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીને પત્રના માધ્યમથી આપવામાં આવી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 18 Sep 2025 08:17 PM (IST)Updated: Thu, 18 Sep 2025 08:17 PM (IST)
mp-parimal-nathwani-advanced-navigational-infrastructure-will-be-installed-after-the-completion-of-the-2500-meter-runway-expansion-at-keshod-airport
HIGHLIGHTS
  • નથવાણીએ પત્રમાં લખ્યું હતું કે વારંવાર ફ્લાઇટ્સ રદ થવાથી વિઘ્ન ઊભું થાય છે
  • રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 190.56 કરોડ છે

Keshod Airport: કેશોદ એરપોર્ટ પર 2500 મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવાનું કરવાનું આયોજન કરાવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઑફ વર્ક અનુસાર, કેશોદ એરપોર્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS), CAT – I એપ્રોચ લાઇટનિંગ સિસ્ટમ અને DVOR ની જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવી છે. આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ કિંજરપુ દ્વારા રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીને પત્રના માધ્યમથી આપવામાં આવી હતી.

મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે મંત્રાલયે કેશોદ એરપોર્ટ પર રનવેને 2500 મીટર સુધી લંબાવવા માટેના સ્કોપ ઑફ વર્કની જાહેરાત કરી દીધી છે અને આ કામનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. ILS ના ઇન્સ્ટોલેશન માટે રનવેની લંબાઈ 1800 મીટરથી વધુ હોવી જોઈએ અને કેશોદ એરપોર્ટના હાલના રનવેની લંબાઈ 1300 મીટર છે.

પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઇટ રદ થવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો.
તેમણે પોતાના પત્રમાં હવામાન સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સહિત અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. નથવાણીએ પત્રમાં લખ્યું હતું કે વારંવાર ફ્લાઇટ્સ રદ થવાથી વિઘ્ન ઊભું થાય છે, જેના કારણે રીજનલ રૂટ ડેવલપમેન્ટનો હેતુ નિષ્ફળ જાય છે. એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથમાં આવતા મુલાકાતીઓની સુગમતા માટે કેશોદ એરપોર્ટનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર ફ્લાઇટ્સ રદ થવાને કારણે આ હેતુ બર આવતો નથી. અગાઉ, રાજ્યસભામાં પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 190.56 કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી 2027 છે.

નોંધનીય છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કેશોદ એરપોર્ટનો વિકાસ રૂ. 364 કરોડના અંદાજિત ખર્ચ સાથે કરવામાં આવશે, જેમાં રૂ. 142.17 કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. 6500 ચોરસ મીટરમાં ફેલાયેલું આ નવું ટર્મિનલ બિલ્ડિંગ એકસાથે 400 ડિપાર્ટિંગ અને 400 અરાઇવિંગ મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરાયું છે.