જૂનાગઢ: મેંદરડામાં દીપડાએ 8 વર્ષના બાળકને ફાડી ખાધો, દિવાળી પર્વની રાત્રે પરપ્રાંતિય પરિવારમાં માતમ

બાળક પર દીપડાએ હુમલો કરતા જ તેના પિતા તેને બચાવવા માટે પાછળ દોડ્યા, પરંતુ તેઓ પુત્રને બચાવી શક્યા ન હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 09 Nov 2026 04:18 PM (IST)Updated: Mon, 09 Nov 2026 04:18 PM (IST)
mendarda-leopard-attack-eight-year-old-child-death-junagadh-wildlife-news

Junagadh Leopard Attack: જૂનાગઢના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે દિવાળીના દિવસે 8 નવેમ્બરની રાત્રે આશરે 7:30 વાગ્યાના સુમારે 8 વર્ષના માસૂમ બાળક પર દીપડાએ પ્રાણઘાતક હુમલો કર્યો, જેના કારણે બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને પકડવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગત અનુસાર, મેંદરડા તાલુકાના દાત્રાણા ગામની સીમમાં આવેલા ખેતરના મકાન પાસે 8 વર્ષનો બાળક દિવરાજ પાણી પીવા માટે જઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક ત્યાં ધસી આવેલા દીપડાએ તેને ઉપાડી લીધો હતો. બાળક પર દીપડાએ હુમલો કરતા જ તેના પિતા તેને બચાવવા માટે પાછળ દોડ્યા હતા, પરંતુ તેઓ પુત્રને બચાવી શક્યા ન હતા.

દીપડો બાળકને ઉપાડીને આશરે 100 ફૂટ દૂર આવેલા એક ખાડામાં જઈને બેસી ગયો હતો. બાળકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે માસૂમ દિવરાજનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાને પગલે દિવાળીના પાવન તહેવાર દરમિયાન મૃતક બાળકના પરિવારમાં કાળો શોક છવાઈ ગયો છે.

બાળક પર હુમલો કર્યા બાદ નાસી રહેલા દીપડાનો આતંક ત્યાં જ અટક્યો ન હતો. ભાગતી વખતે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાઈક સાથે દીપડો અથડાઈ ગયો હતો, જેના કારણે બાઈક પર સવાર દંપતી અકસ્માતનો ભોગ બન્યું હતું. આ અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલી પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બીજી તરફ, ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા તુરંત વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ડેડકડી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) એચ.ડી. ગળચરે જણાવ્યા મુજબ, બાળકનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને પકડવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

વન અધિકારીના જણાવ્યા અનુસાર, જે સ્થળે દીપડાએ હુમલો કર્યો હતો તે વિસ્તારમાં આશરે 6 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત સીમાડે એનિમલ કેર સેન્ટરનાડૉક્ટરનેબોલાવીને વન્ય પ્રાણીના પગમાર્ગના સગળનો પીછો કરી તેને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમાં સફળતા ન મળતા દીપડાને પકડવા પાંજરા ગોઠવીને રાખ્યા છે.

દાત્રાણા ગામના સરપંચ રાકેશ ગોહેલે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગઈકાલે રાત્રે સાડા સાત વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો. મૃતક બાળકનો પરિવાર મધ્યપ્રદેશથી અહીં ખેતીવાડીના કામકાજ અર્થે આવ્યો છે. સરપંચે વન વિભાગ અને સરકાર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે, અવારનવાર બનતા બનાવો પર તાત્કાલિક નિયંત્રણ લાવવું જરૂરી છે.