Kodinar News: હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે ગીર જંગલ વિસ્તારમાં ખાબકેલા ભારે વરસાદના કારણે કોડીનાર નજીકનું ફાચારિયા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. સાથે જ ફાચારિયા ગામથી અરણેજ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો સહિત સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ફાચારિયા ગામમાં વરસાદી પાણીના કારણે નદીઓ વહેતી હોય તે પ્રકારનાં દ્રશ્યો સર્જાયા હતા.
છેલ્લા 24 કલાકથી અવિરત વહેતા પાણીને કારણે ફાચારિયા ગામથી ઉપરવાસમાંથી વરસાદી પાણી ગામમાં આવી જતા ગામના નીચાણવાળા ઘરોમાં ગામના ઝાંપામાં તેમજ કોડીનાર-અરણેજ વાલાદર રોડ ઉપર કમર સમા પાણી ભરાતા 5 થી 7 ગામનો વાહન વ્યવહાર ખોરવાયો છે. ફાચારિયા ગામ વચ્ચે નદીની જેમ ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેથી કેટલાક લોકો ચાલીને અને કેટલાક લોકો પોતાના વાહન આ ધસમસતા પાણીમાં નાખી જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે.
આ પણ વાંચો
વરસાદી પાણી ગામમાંથી પસાર થઈ ખેતરોમાં ફરી વળતાં ખેતરો જળમગ્ન થયા હતા. જેથી પાક તો નિષ્ફળ જાય તેમ છે તેમજ ભારે પ્રમાણમાં ખેતીની જમીનનું ધોવાણ પણ થયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
