જૂનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ સામે 24 કલાકમાં બીજી ફરિયાદ; સાધુ-સંતોની લાગણી દુભાવવા બદલ ભવનાથ પોલીસની કાર્યવાહી

કીર્તિ પટેલની ધરપકડ કરવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 18 Feb 2026 01:29 PM (IST)Updated: Wed, 18 Feb 2026 01:29 PM (IST)
kirti-patel-faces-second-complaint-in-24-hours-in-junagadh-bhavnath-police-initiates-action

Kirti Patel Junagadh Controversy: જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવી નવો વિવાદ છેડ્યો છે. ભગવા વસ્ત્રો પહેરીને પ્રતિબંધિત વિસ્તારમાં સ્નાન કરવા બદલ અને સાધુ-સંતોના અપમાન બદલ કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધવામાં આવી છે.

સાધુ-સંતોમાં ફાટી નીકળ્યો રોષ

મળતી માહિતી મુજબ, કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કીર્તિ પટેલે સાધુ-સંતોની લાગણી દુભાવી છે અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

પોલીસ સાથે કર્યું હતું ઘર્ષણ

નોંધનીય છે કે, કીર્તિ પટેલ સામે 24 કલાકમાં આ બીજી ફરિયાદ છે. ગઈકાલે (17 ફેબ્રુઆરી) જ્યારે તે મૃગીકુંડમાં સ્નાન કરવા પહોંચી ત્યારે ત્યાં ફરજ પર રહેલા મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર (PI) કે. જે. મોડ સાથે તેણે ઘર્ષણ કર્યું હતું. સરકારી ફરજમાં રૂકાવટ અને ગેરવર્તન બદલ PIએ તેની સામે પ્રથમ ફરિયાદ દાખલ કરાવી હતી.

વાયરલ વીડિયોએ આગમાં ઘી હોમ્યું

તાજેતરમાં કીર્તિ પટેલના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તે જૂના અખાડાના નાગા સાધુઓ સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં તે 'ઓમ નમો નારાયણ' અને 'હર હર મહાદેવ'ના નારા લગાવતી જોવા મળે છે. સાધુ-સંતોના રોષ વચ્ચે આ પ્રકારના વીડિયો સામે આવતા સમગ્ર ગુજરાતમાં આ મામલો અત્યંત ચર્ચાસ્પદ બન્યો છે.

પોલીસે કીર્તિને પકડવા ટીમો બનાવી

એક પછી એક બે ફરિયાદો નોંધાતા જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. કીર્તિ પટેલની ધરપકડ કરવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ મામલે પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી. જૂનાગઢના ભવનાથમાં શ્રદ્ધાળુઓ અને સંતોના મલાજાને ઠેસ પહોંચાડતી આ ઘટનાને કારણે સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે.