Junagadh News: સોરઠ વિસ્તારના પ્રવાસીઓ, વેપારીઓ અને લોકો માટે ઘણા રાહતના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પરથી લાંબા સમયથી બંધ પડેલી કેશોદ-મુંબઈ ફ્લાઈટ સેવા ફરી એકવાર વિધિવત્ત રીતે શરુ કરવામાં આવી છે. આ હવાઈ સેવા પુન:શરુ કરતાં જૂનાગઢવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે .
નવા શિડ્યુલ પ્રમાણે ફ્લાઈટ્સ
એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આગામી 24 ઓક્ટોબર સુધી અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને શનિવારે કેશોદ-મુંબઈની ફ્લાઈટ કાર્યરત રહેશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ એલાયન્સ એર દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે.
વેપારીઓ અને પ્રવાસીઓને રાહત
સોરઠ અને મુંબઈ વચ્ચે વર્ષોથી વ્યાપારી,ધાર્મિક અને સામાજિક સંબંઘો મોટા પાયે જોડાયેલ છે. વર્ષ 2022માં શરુ થયેલી કોમર્શિયલ વિમાની સેવા કરાર પૂર્ણ થતાં બંધ થઈ ગઈ હતી. જેના કારણે સ્થાનિક લોકોને મુંબઈની મુસાફરી માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સેવા પુન:શરુ કરવા માટે સ્થાનિક વેપારી મંડળો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી.
રુ.362 કરોડના ખર્ચે એરપોર્ટનો વિકાસ
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા રુ.363 કરોડના તોતિંગ ખર્ચે કેશોદ એરપોર્ટનો પુન:વિકાસ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટને ધમધમતું રાખવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરલાઇન્સ કંપનીઓ સાથે સતત બેઠકો યોજવામાં આવી રહી છે. અગાઉ કેશોદથી અમદાવાદ અને કેશોદથી પોરબંદર જેવા નવા રૂટ શરૂ કરાયા હતા, પરંતુ મુંબઈ રૂટની સૌથી વધુ માંગ હોવાથી હવે મુંબઈ કનેક્ટિવિટી શરૂ થતાં પ્રવાસન અને વેપારને નવો વેગ મળશે.
