Kesar Mango Export Crisis: ગીર સોમનાથ જિલ્લાની પ્રખ્યાત તાલાલાની કેસર કેરીના ખેડૂતો અને નિકાસકારો માટે આ વર્ષ ચિંતાજનક રહ્યું છે. આ વર્ષે ગીરની કેસર કેરીનું પ્રમાણમાં સારું ઉત્પાદન અને ઉત્તમ ગુણવત્તા હોવા છતાં, તેની નિકાસમાં 50 થી 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેનું કારણ છે અમેરિકા, ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર, જાણો...
નિકાસના આંકડા: ગત વર્ષની સરખામણીએ પછડાટ
તાલાલા મેંગો માર્કેટના પેકિંગ પ્લાન્ટ ઇન્ચાર્જ વિપુલ સોરઠીયાના જણાવ્યા અનુસાર, દર વર્ષે ગીરની કેસર કેરીની વિદેશમાં 300 થી 500 ટન જેટલી નિકાસ થતી હોય છે. ગત વર્ષની વાત કરીએ તો, અમેરિકામાં 125 ટન, UKમાં 150 ટન અને UAE સહિતના અન્ય દેશોમાં 100 ટન મળીને આશરે 370 ટનથી વધુ કેસર કેરી એક્સપોર્ટ કરવામાં આવી હતી.
પરંતુ ચાલુ વર્ષે 12 મે સુધીમાં માત્ર 100 ટન જ કેસરની નિકાસ થઈ શકી છે, જે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની માઠી અસર દર્શાવે છે. આમ, ગલ્ફ દેશો અને કેનેડા સહિતના અન્ય દેશોમાં થતી નિકાસ અટવાઈ જતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 50 થી 60 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.
કાર્ગો શિપ ન મળતા શિપમેન્ટ કંડલા ખાતે જ અટક્યા
આ નિકાસ અટકવાનું મુખ્ય કારણ કાર્ગો શિપની અછત અને સમુદ્ર માર્ગ બંધ હોવાનું છે. યુદ્ધ શરૂ થયા બાદ કંડલા પોર્ટ પરથી એક પણ શિપમેન્ટ આગળ વધ્યું નથી. વર્તમાન પરિસ્થિતિમાં હોરમુઝની ખાડી બંધ છે, જેના કારણે ઓમાનની ખાડી, ગલ્ફના દેશો તેમજ US અને કેનેડા સુધી સમુદ્ર માર્ગે પહોંચવું અશક્ય બની ગયું છે.
મેંગો પેક હાઉસના સંચાલકોના મતે આ વર્ષે ઓસ્ટ્રેલિયા, દુબઇ, સાઉદી અરબ અને અબુધાબી જેવા દેશોમાં 500 ટનથી વધુ નિકાસ થવાની સંભાવના હતી. પરંતુ યુદ્ધને કારણે આખી ગણતરી ઊંધી વળી ગઈ છે. વિદેશમાં કેરીની ખાસ્સી માગ હોવા છતાં શિપ ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો: Mango Prices: જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 115 ક્વિન્ટલ કાચી કેરીની આવક, જાણો કેટલો ભાવ બોલાયો
આધુનિક સુવિધા છતાં ખેડૂતોને આર્થિક ફટકો, કારણ?
તાલાલા APMC સંચાલિત અને અપેડા (APEDA) એપ્રુવલ ધરાવતું કેસર એક્સપોર્ટ સેન્ટર પોતાની અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. પેકિંગ પ્લાન્ટ ઓપરેટર દીપક ચાંડેરાના જણાવ્યા મુજબ, વિદેશના નોર્મ્સ મુજબ અહીં કેરીનું હાર્વેસ્ટિંગ, હોટ વોટર વોશિંગ અને રેપલિંગ કર્યા બાદ એકદમ હાઈજેનિક રીતે 3 કિલોના બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે.
વિદેશમાં ખેડૂતોને 3 કિલોના બોક્સના જે ઊંચા ભાવ મળે છે, તે અહીં સ્થાનિક બજારમાં 10 કિલોના પણ મળતા નથી. સ્થાનિક બજારમાં ગત વર્ષ કરતા 15થી 20 ટકા ભાવ વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ જો એકાદ મહિનામાં શિપ મળી પણ જાય તો ભાડું ખૂબ ઊંચું ચૂકવવું પડે તેમ છે અને સમય વધતા કેરી બગડવાની સંભાવના પણ નફાને ઘટાડશે.
