Junagadh: રાજકોટની પરિણીતા પર સામુહિક દુષ્કર્મ, વિસાવદરથી અપહરણ કરીને મોણવેલ ગામની સીમમાં લઈ જઈ 6 ઈસમોએ ગેંગરેપ કર્યો

વિસાવદરથી બાઈક પર પરિણીતાનું અપહરણ કરીને અમરેલીના ધારી તાલુકાના મોણવેલ ગામની સીમમાં લઈ જવાઈ, જ્યાં આખી રાત વારાફરતી 6 ઈસમોએ દુષ્કર્મ ગુજાર્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Mar 2026 05:54 PM (IST)Updated: Sun, 15 Mar 2026 05:54 PM (IST)
junagadh-news-woman-abducted-from-visavadar-and-assaulted-by-6-accused
HIGHLIGHTS
  • સંપર્કમાં આવેલા શખ્સે મળવા બોલાવતા પરિણીતા વિસાવદર પહોંચી હતી
  • વિસાવદર પોલીસે ગણતરીના કલાકોમાં 6 ઈસમોને રાઉન્ડ અપ કર્યાં

Junagadh: જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સામુહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટની પરિણીતાનું વિસાવદરથી બાઈક પર અપહરણ કરીને તેને અમરેલી જિલ્લાના મોણવેલ ગામની સીમમાં ગોંધી રાખીને 6 ઈસમોએ હવસનો શિકાર બનાવી છે.

આ મામલે રાજકોટ જિલ્લામાં રહેતી 33 વર્ષીય પરિણીતાએ વિસાવદર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, થોડા દિવસ પૂર્વે તે એક શખ્સના સંપર્કમાં આવી હતી. ગત 12 માર્ચના રોજ સંપર્કમાં આવેલા શખ્સે બોલાવતા પરિણીતા વિસાવદર તેને મળવા પહોંચી હતી.

રાતના 8 કલાકે પરિણીતા વિસાવદર પહોંચતા જ શખ્સ બાઈક પર અપહરણ કરીને તેને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોણવેલ ગામની વાડી વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં પરિણીતા સાથે સંપર્કમાં આવેલ શખ્સ ઉપરાંત મુન્નો ભરવાડ સહિત અન્ય 4 ઈસમો મળી કુલ 6 જણાએ વારાફરતી પોતાની હવસ સંતોષી હતી.

બીજા દિવસે સવારે પરિણીતા હવસખોરોની ચુંગાલમાંથી માંડમાંડ છટકીને વિસાવદર પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તેણે મુન્ના ભરવાડ સહિત 6 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હરકતમાં આવેલી પોલીસે આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. હાલ તો પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.