Junagadh: ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar Assembly Bypolls) પર આગામી 19 જૂનના રોજ મતદાન થવાનું છે, ત્યારે આ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. અત્યારે તમામ પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી મંડલીના ચેરમેન કિરીટ પટેલને પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો છે.
આજે ભાજપના ઉમેદવાર ભેંસાણ તાલુકાના વાંદરવડ ગામે પ્રચાર અર્થે પહોંચ્યા હતા. જો કે છેલ્લી ઘડીએ કિરીટ પટેલને પોતાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો. જ્યાં સહકારી મંડળીના કૌભાંડથી અનેક ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. આટલું જ નહીં, કૌભાંડનો ભોગ બનેલા રાજાભાઈ નામના ખેડૂતને તો મજબૂરીમાં આપઘાત કરવો પડ્યો હતો. જેના કારણે વાંદરવડ ગામના ખેડૂતોમાં ભાજપ ઉમેદવાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. લોકોના આક્રોશનો પહેલાથી જ અંદાજો પારખી ગયેલા ભાજપ ઉમેદવારે વાંદરવડ ગામમાં આવવાનું ટાળ્યું હતુ.
આ અંગે વાંદરવડ ગામના ખેડૂતોએ ગુજરાતી જાગરણ સાથે વાત કરતા જણાવ્યું કે, ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે અને તેમના કાર્યકાળ દરમિયાન વાંદરવડ સહકારી મંડળીમાં મોટું કૌભાંડ થયું છે. જેમાં ખાતેદારનું સહકારી બેંકમાં ખાતું ના હોય, તો પણ પૈસા ઉપડી ગયા છે. કેટલાક ખેડૂતોના ખાતામાંથી લિમિટ કરતાં પણ વધારે ધિરાણ ઉપાડી લેવામાં છે. આટલું જ નહીં, મૃતકોના નામે પણ પૈસા ઉપાડવામાં આવ્યા છે.
આ સંદર્ભે કિરીટ પટેલ સમક્ષ ગામના ખેડૂતોને રજૂઆત કરવી હતી. જો કે કિરીટ પટેલના આગમન પૂર્વે ભાજપના કાર્યકરો આવ્યા હતા. આ સાથે જ વાંદરવડ ગામમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જો કે ગ્રામજનોનો આક્રોશ ભાળી ગયેલા કિરીટ પટેલે છેલ્લી ઘડીએ પોતાનો કાર્યક્રમ રદ્દ કરી દીધો.
બીજી તરફ વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ પણ આજે વાંદરવડ ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કૌભાંડના કારણે આપઘાત કરનાર ખેડૂત પરિવારને મળ્યા હતા. આ સાથે જ તેમણે ગામના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી, જ્યાં ગ્રામજનોએ ગોપાલ ઈટાલિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.
