Junagadh: જૂનાગઢમાંથી રૂ. 1.10 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેની પૂછપરછમાં આ ગાંજો રાજકોટની એક યુવતી થાઇલેન્ડથી લાવી હોવાનુ જાણવા મળ્યુ છે. આ સાથે જ વધુ 3 શખ્સોનાં નામ ખુલ્યા છે. આ ગાંજા મામલે એસઓજીએ રાજકોટ સુધી તપાસ લંબાવી છે.
SOG પોલીસને હાઇબ્રીડ ગાંજો લઈને કારમાં શખ્સો નીકળ્યા હોવાની અને જૂનાગઢમાંથી આ કાર પસાર થવાની હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસપી સુબોધ ઓડેદરાની સુચનાથી ક્રાઈમ બ્રાન્ચ ના પી. આઈ એમ. કે. પટેલ, એસઓજીના પીઆઈ જે. જે. પટેલની ટીમે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન શહેરમાં ઇવનગર રોડ પરથી પસાર થયેલી કાર અટકાવી તેમાંથી રૂપિયા 1,10,60,000ના 3.160 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે 4 શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસે વિસાવદરનો ધવલ ભરાડ, જૂનાગઢનો હુસેન તુર્ક, મુજાહીદિન યુસુફ અને જહાગીર શાહમદારની ધરપકડ કરી હતી અને હાઇબ્રીડ ગાંજો કાર મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હાઇબ્રીડ ગાંજાનો જથ્થો થાઈલેન્ડથી લાવવામાં આવ્યો હતો.
રાજકોટની શેરબાનુ નાગાણી નામની યુવતી બેંગકોક જઈને હાઇબ્રીડ ગાંજાનો જથ્થો લાવી હતી. આ મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ 7 શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે યુવતી તેમજ વડોદરાના શખ્સ ઉપરાંત જૂનાગઢના મોહીન સતાર ખંધાની શોધખોળ તપાસ હાથ ધરી છે.
