ગિરનાર લીલી પરિક્રમા પહેલાં પાણીની કટોકટી! 6 બોરમાં પાણી ખૂટ્યું, નવા 10 બોર બનાવાશે, જિલ્લા કલેક્ટરે કર્યું સ્થળ નિરીક્ષણ

જૂનાગઢમાં 20 નવેમ્બરથી શરૂ થનારી ગિરનાર લીલી પરિક્રમા પહેલાં પાણીની અછત સર્જાઈ છે. રૂટના 17 બોરમાંથી 6માં પાણી ખૂટતાં તંત્ર દ્વારા વધુ 10 બોર બનાવવાનો નિર્ણય લેવાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 27 Oct 2026 03:48 PM (IST)Updated: Tue, 27 Oct 2026 03:48 PM (IST)
girnar-lili-parikrama-water-shortage-6-borewells-dry-10-new-borewells

Girnar Lili Parikrama 2026: જૂનાગઢમાં સ્થિત ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો 20મી નવેમ્બરથી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. લીલી પરિક્રમાં સહભાગી થવા માટે ગુજરાત સહિત બીજા રાજ્યના લાખોની સંખ્યામાં ભક્તો ઉમટવાના છે. ત્યારે પરિક્રમા પૂર્વે આ રુટના 17 બોરમાંથી 6 બોરનું પાણી ખૂટી જતાં જૂનાગઢ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પરિક્રમાર્થીઓ આવે તે પહેલા જ પાલિકા તંત્ર દ્વારા વધુ 10 બોર બનાવવાનો નિર્ણય કર્યો છે.

લાખો શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા

અગાઉ જ્યારે ગિરનારની લીલી પરિક્રમા થતી. ત્યારે ગિરનાર જંગલમાં પાણી 30 ફૂટ સુધી આવી જતું હતું. પરંતુ હાલની સ્થિતિની વાત કરીએ તો, હાલ 120 ફૂટ પાણી પહોંચી ગયું છે. ગત વર્ષે જૂનાગઢમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાતા પરિક્રમા થઈ શકી નહોતી. જેને પગલેં લીલી પરિક્રમાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

10 નવા બોર બનાવવાનો નિર્ણય

લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ રૂટનું સ્થળ નિરીક્ષણ કર્યું. આ અંગે જળ પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર વિવેક પટેલના જણાવ્યા પ્રમાણે લીલી પરિક્રમા જ્યારે શરુ થાય ત્યાં સુધીમાં દર વર્ષે પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી બોરનું ખોદકામ કરવાની ક્યારેય જરુરિયાત ઊભી થઈ નથી. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. જેથી 10 જેટલા બોર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

11 બોર ચાલુ સ્થિતિમાં છે

વધુમાં તેઓએ જણાવ્યું કે, ગિરનાર જંગલમાં હાલ 11 બોર ચાલુ સ્થિતિમાં છે. બીજા 10 બોર બનાવીશું તો 21 બોર થશે. જેથી લીલી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓને દર 2થી 3 કિમીના અંતરે પાણીનો બોર મળશે. જંગલ વિસ્તારમાં વીજ વ્યવસ્થા ન હોવાથી ડીઝલ જનરેટરનો ઉપયોગ કરીને બોર ચાલશે. હાલ 120 ફૂટ સુધી પાણી આવે છે.